મહિલાઓએ મહાપાલિકા કચેરી અધિકારીના નામના હાય...હાય...ના નારા લગાવી ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો
મોરબી : મોરબીમાં ઠેરઠેર ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. ત્યારે મોરબીના વાવડી રોડ ઉપરની શ્રીજી સોસાયટીમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન વિકટ હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ સોસાયટીની મહિલાઓએ મનપા કચેરીએ દોડી જઇ અધિકારીના નામના હાય હાય ની નારેબાજી કરી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વાવડી રોડ ઉપરની શ્રીજી સોસાયટીમાં ગટર ઉભરાવવા મામલે સ્થાનિક મહિલાઓએ મનપામાં ઉગ્ર રજુઆત કરી હતી કે, વાવડી રોડ ઉપર રવિ પાર્કમાં આવેલ શ્રીજી સોસાયટીમાં એક મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે અને તંત્રના પાપે ગટરના પાણી પોત પ્રકાશીને ઘરો ઘુસી ગયા છે અને આ સોસાયટીમાં દરેક બહેનોને સવારે ઉઠીને પહેલા ગટરના પાણી કાઢવાનું કામ કરવું પડે છે. સ્થાનિકો દ્વારા આવરનવાર રજૂઆતો કરવામાં આવી છે. છતા મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભૂગર્ભ ગટરના રીપેરીંગ માટે ટિમો આવે છે પણ પ્રશ્નનો કોઈ નિવેડો આવતો નથી. ઘણી વખત તેઓ સાંજે આવે છે અને દશેક મિનિટમાં ડ્યુટી પુરી થઈ ગઈ હોવાનું જણાવી નીકળી જાય છે. આ મામલે ડેપ્યુટી કમિશનરે પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું છે. હવે જો આ પ્રશ્નનો નિવેડો નહિ આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.