Wednesday - Nov 25, 2026

મોરબી અને વાંકાનેરમાં જુગારની બે રેડ: 9 શખ્સો ઝડપાયા, રૂ.16,980ની રોકડ જપ્ત

મોરબી અને વાંકાનેરમાં જુગારની બે રેડ: 9 શખ્સો ઝડપાયા, રૂ.16,980ની રોકડ જપ્ત

મોરબી : મોરબી જિલ્લામાં જાહેરમાં જુગાર રમતા શખ્સો સામે પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતા. મોરબીના ભડીયાદ રોડ પર જંગલેશ્વર મહાદેવ મંદિર નજીકથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા, જ્યારે વાંકાનેરના રાતીદેવરી ગામની આહો નદીના પટમાંથી ત્રણ શખ્સો ઝડપાયા હતા. બંને સ્થળેથી પોલીસે કુલ રૂ.16,980ની રોકડ કબજે કરી નવ શખ્સો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભડીયાદ રોડ પર જંગલેશ્વર મહાદેવ મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ત્રિલોકસિંગ દર્શનસિંગ સેંગર, રુસ્તમસિંગ મહેશપ્રતાપસિંગ સેંગર, દિલીપભાઈ બચ્ચનભાઈ પાંડે, બીટુસિંગ નાથુરામ ચૌહાણ, સતીશસિંગ સુરેન્દ્રસિંગ ભદોરિયા અને પ્રહલાદસિંહ જનકસિંહ બધેર જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.12,800ની રોકડ કબજે કરી છ શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

બીજી તરફ, વાંકાનેર સીટી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન રાતીદેવરી ગામની સીમમાં આહો નદીના પટમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડતા અલાઉદ્દીનભાઈ વલીભાઈ માણસિયા, ઉસ્માનભાઈ અહમદભાઈ કડીવાર અને સતિષભાઈ શામજીભાઈ પ્રબતાણી જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.4,180ની રોકડ કબજે કરી ત્રણેય સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.