મોરબી તાલુકાના આમરણ ગામે અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને છ શખ્સોએ લાકડાના ધોકા વડે યુવાન સહિત બે વ્યક્તિઓ પર હુમલો કરી ગાળો આપી માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં બંને વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં છ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આમરણ ગામે રહેતા તેજાભાઈ રમેશભાઈ શિરોયા (ઉં.વ.27)એ ગુલામહુસેમીયા બુખારી, વસીમ મહમદભાઈ સોલંકી, ઈસ્માઈલભાઈ સલેમહમદભાઈ સોલંકી, ઈકબાલભાઈ અલીભાઈ સોલંકી, સોકતભાઈ અશરફભાઈ બુખારી અને પરવેશભાઈ ઈસાભાઈ સોલંકી (તમામ રહે. આમરણ) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અગાઉ ફરિયાદી અને સાહેદ સાજીદભાઈ રજાકમીયા બુખારી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને છ આરોપીઓ લાકડાના ધોકા સાથે આવી બંને સાથે ઝઘડો કરી ગાળો આપવા લાગ્યા હતા. આ દરમિયાન સાહેદને માર મારવામાં આવતા શરીરે ઇજાઓ પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે તેજાભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.