Wednesday - Nov 25, 2026

હાઈ-વે પર હવે 'ત્રીજી આંખ'ની રહેશે ખાસ બાજ નજર

હાઈ-વે પર હવે 'ત્રીજી આંખ'ની રહેશે ખાસ બાજ નજર

ગુજરાતના ૫૮ ટોલ પ્લાઝા પર ઈ-ડિટેક્શન સિસ્ટમ શરૂ, અધૂરા દસ્તાવેજો હશે તો ઘરે બેઠા આવશે તોતિંગ ઈ-ચલણ!

-રિપોર્ટર: અશ્વિન રાઠોડ-"સ્વયમ્'ભૂ" (આરબીન્યૂઝમોરબી)

​મોરબી (ગુજરાત):-રાજ્યના સ્ટેટ હાઈ-વે અને નેશનલ હાઈ-વે પર મુસાફરી કરતા તમામ ખાનગી અને કોમર્શિયલ વાહન ચાલકો માટે અત્યંત મહત્વના અને સાવચેત કરનારા સમાચાર સામે આવ્યા છે. ૨૧ નવેમ્બરથી ગુજરાતના કુલ ૫૮ ટોલ પ્લાઝા પર ખાનગી વાહનો માટે પણ અત્યાધુનિક 'ઈ-ડિટેક્શન સિસ્ટમ' કાર્યરત કરી દેવામાં આવી છે. હવે ટોલ બૂથ પર ટ્રાફિક પોલીસ કે RTO સ્ટાફ ઊભો ન હોય તો પણ નિયમભંગ કરનારા વાહન ચાલકો બચી શકશે નહીં.  

​કેવી રીતે કામ કરે છે આ હાઈ-ટેક સિસ્ટમ?

ટોલ પ્લાઝા પરથી જ્યારે કોઈ પણ કાર, ટેક્સી, રિક્ષા કે કોમર્શિયલ વાહન પસાર થશે, ત્યારે ત્યાં લગાવેલા ખાસ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નેશન કેમેરા (ANPR) અને FASTag-RFID સિસ્ટમ વાહનની નંબર પ્લેટ સ્કેન કરી લેશે. આ ડેટા સીધો 'વાહન' પોર્ટલના સેન્ટ્રલ સર્વર સાથે જોડાઈને વાહનના વીમા, PUC, ફિટનેસ, પરમિટ અને RC બુકની ચકાસણી કરશે. જો કોઈ પણ દસ્તાવેજ એક્સપાયર હશે કે અગાઉનું ચલણ બાકી હશે, તો સિસ્ટમ ઓટોમેટિક ઈ-ચલણ જનરેટ કરી વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા દંડની રકમ અને પેમેન્ટ લિન્ક મોકલી આપશે.  

​નિયમભંગ બદલ કેટલો થશે દંડ?
મોટર વ્હીકલ એક્ટ મુજબ દસ્તાવેજો અધૂરા હોવા પર ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે: 

​PUC એક્સપાયર હોય તો: પહેલીવાર ૧,૦૦૦ અને બીજીવાર ૨,૦૦૦નો દંડ.  

​વીમો ન હોય તો: પહેલીવાર ૨,૦૦૦, બીજીવાર ૪,૦૦૦નો દંડ અને ૩ મહિનાની જેલની જોગવાઈ. અને કેટલાક કિસ્સામાં થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમના ૩ ગણા એટલે કે ૧૫,૦૦૦ સુધીનું ચલણ પણ ફાટી શકે છે.

​RCબુક ન હોય તો: પહેલીવાર ૨,૦૦૦ થી ૫,૦૦૦, બીજીવાર ૫,૦૦૦ થી ૧૦,૦૦૦નો દંડ અને ૧ વર્ષની જેલની જોગવાઈ.  

​સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અપીલ:-

તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકાર કે પોલીસ તરફથી ક્યારેય વોટ્સએપ પર ઈ-ચલણની લિન્ક મોકલવામાં આવતી નથી; ચલણ માત્ર ટેક્સ્ટ મેસેજ (SMS) દ્વારા જ આવે છે. કોઈ શંકાસ્પદ લિન્ક પર ક્લિક કરવાને બદલે માત્ર સત્તાવાર સરકારી વેબસાઈટ [https://echallan.parivahan.gov.in](https://echallan.parivahan.gov.in) પર જઈને જ ચલણની ખરાઈ કરવી અને ભરવું. હાઈ-વે પર નીકળતા પહેલા mParivahan અથવા DigiLocker એપમાં તમામ દસ્તાવેજો અપડેટ રાખવા વાહન ચાલકોને ખાસ અપીલ કરવામાં આવી છે.

હાઈ-વે પર હવે 'ત્રીજી આંખ'ની રહેશે ખાસ બાજ નજર