રસ્તા-રસ્તાના પ્રશ્નો, નવી જમીન ફાળવણી, સ્વાગત અને પીજી પોર્ટલની અરજીઓ તથા વિકાસકામોની પ્રગતિની સમીક્ષા
મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં તાજેતરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને જિલ્લાના વિવિધ વિકાસકામોની સમીક્ષા કરી મહત્વના મુદ્દાઓના સમયમર્યાદામાં નિકાલ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લાના રોડ-રસ્તાને લગતા પ્રશ્નો અને વિકાસકામોની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સ્વાગત પોર્ટલ અને પીજી પોર્ટલ પર લાંબા સમયથી પડતર રહેલી અરજીઓનો યોગ્ય અને સમયસર નિકાલ કરવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી હતી. આ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓ માટે નવી જમીન ફાળવણીના પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે પ્રવાસન સમિતિની બેઠકમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અને તેને લગતા આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા આયોજનની બેઠકમાં મંજૂર તથા આયોજન હેઠળનાં વિકાસકામોની પ્રગતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.
પેન્ડિંગ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ
બેઠકના મુખ્ય નિર્ણયરૂપે સ્વાગત અને પીજી પોર્ટલ પર પડતર તમામ પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા વિભાગીય અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. સરકારી કચેરીઓ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા, રોડ-રસ્તાના પ્રશ્નો અને વિકાસકામોની પ્રગતિને પ્રાથમિકતાથી આગળ ધપાવવા સૂચના અપાઈ હતી. સાથે જ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના તથા પ્રવાસન સ્થળોના વિકાસ માટેની કામગીરીને વેગ આપવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.