25 કલાકની મહેનત બાદ કલાકારે તૈયાર કરી માતાજીની વિશાળ રંગોળી; મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લીધો
મોરબી : મોરબીના શકત શનાળા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરે માતાજીના 951મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે ધાર્મિક માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં 951 દીવડાની મહાઆરતી યોજાઈ હતી, જેમાં શકત શનાળા સહિત મોરબી અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
તલવારબાજી ટીમ અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી આયોજિત આ ધાર્મિક ઉત્સવમાં માતાજીની વિશાળ રંગોળી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એક કલાકારે સતત 25 કલાકની મહેનત બાદ શક્તિ માતાજીની આબેહૂબ રંગોળી તૈયાર કરી હતી, જેને નિહાળવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં દર્શનાર્થે આવેલા તમામ ભક્તોને પ્રસાદરૂપે લાપસીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ દરેક ભક્તને શક્તિ માતાજીનો ફોટો પણ ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનમાં ગ્રામજનો અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.