ઇન્દીરાનગરના પાણીના ટાંકા પાસેથી ચાર આરોપીઓને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ; 80 કિલો કોપર વાયર, બોલેરો પીકઅપ સહિત રૂ. 4.11 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી : દિવાળીની રજાઓ દરમિયાન મોરબીના લાલપરની સીમમાં આવેલા બંધ સિરામિક કારખાનાને નિશાન બનાવી રૂ. 1.60 લાખના કેબલ વાયરની ચોરી કરનાર ટોળકીનો મોરબી તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી પોલીસે ઇન્દીરાનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસેથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીનો 80 કિલો કોપર વાયર, બોલેરો પીકઅપ સહિત કુલ રૂ. 4,11,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ પર રહેતા વૈભવભાઈ પ્રેમજીભાઈ ચાડમીયા અને તેમના ભાગીદાર સરિષભાઈ હિંમતલાલ ઠોરીયા લાલપરની સીમમાં પાવર હાઉસ સામે કમાન્ડર સીરામીક ઈન્ડસ્ટ્રીઝ નામે પાર્કિંગ ટાઈલ્સનું કારખાનું ચલાવે છે. દિવાળીની શટડાઉન રજાઓ દરમિયાન ગત તા. 9 નવેમ્બરની મોડી રાત્રે પાંચ બુકાનીધારી શખ્સોએ કારખાનાની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. લોખંડના પાઈપ અને ધારીયા સાથે આવેલા શખ્સોએ કિલન મશીન તથા સાઈઝિંગ એરિયામાંથી કોપર અને ફોરકોર કેબલ વાયર કાપી અંદાજે રૂ. 1.60 લાખની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ ચોરી અંગે તા. 20 નવેમ્બર, 2026ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પીઆઈ એન.એસ. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એસ. સોંદરવા અને સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે મળેલી ચોક્કસ બાતમીના પગલે પોલીસે ઇન્દીરાનગરમાં પાણીના ટાંકા પાસેથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે પકડેલા આરોપીઓમાં વીસીપરાના ભરતભાઈ રમેશભાઈ ઝંઝવાડીયા (ઉં.વ. 30) અને રવિભાઈ રમેશભાઈ દલસાણીયા (ઉં.વ. 24), ઇન્દીરાનગરના વિપુલભાઈ ગોરધનભાઈ કેરવાડીયા (ઉં.વ. 38) તથા લાયન્સનગરના હાર્દિકભાઈ રાજુભાઈ ડાભી (ઉં.વ. 34)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1,04,000ની કિંમતનો 80 કિલો કોપર વાયર, રૂ. 3 લાખની કિંમતનું મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન (GJ-08-AW-3397), રૂ. 7,500ના ત્રણ મોબાઇલ ફોન ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું કટર, લાકડાનો ધોકો અને ધારીયું કબજે કર્યું છે. આમ, પોલીસે કુલ રૂ. 4,11,500નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.