મોરબી : હળવદ તાલુકાના સુખપર ગામે વાડીમાં રહી મજૂરીકામ કરતા મૂળ નર્મદા જિલ્લાના વૃદ્ધનું ઝેરી દવા પીધા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાડીના માલિકે હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ નર્મદા જિલ્લાના કુવા ગામના રહેવાસી છોટુભાઈ ઉર્ફે શૈલેષભાઈ ભાણાભાઈ વસાવા (ઉ.વ.65) હાલ હળવદ તાલુકાના સુખપર ગામે રવિભાઈ દેકાવાડિયાની વાડીએ રહી મજૂરીકામ કરતા હતા. ગત તા. 19 નવેમ્બરના રોજ બપોરે આશરે 12 વાગ્યાના અરસામાં તેમણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાડીના માલિક રવિભાઈ દેકાવાડિયા (ઉ.વ.22, રહે. સુખપર)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.