પીપળીયા ચાર રસ્તા પાસે શાકભાજી લેવા જતી વખતે બરવાળા ગામ નજીક અકસ્માત નડ્યો, મૃતકના પિતાની ફરિયાદના આધારે રિક્ષાચાલક સામે ગુનો નોંધાયો
મોરબી : મોરબીના નવલખી રોડ પર બરવાળા ગામ નજીક ગુરુવારે મોડી સાંજે રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક પર સવાર ખેવારીયા ગામના બે યુવાનોના મોત નીપજ્યાં હતાં. જ્યારે રિક્ષાચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક યુવાનના પિતાએ રિક્ષાચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બાઈક નંબર GJ-3-AQ-479 પર ખેવારીયા ગામના સંજયભાઈ ભીખાભાઈ ડારા (ઉ.વ.27) અને હરેશ ઉર્ફે હાર્દિકભાઈ અરવિંદભાઈ રાઠોડ (ઉ.વ.23) ડબલ સવારીમાં પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બરવાળા ગામ નજીક રિક્ષા નંબર GJ-36-U-8018 સાથે બાઈકનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમના મોત નીપજ્યાં હતાં. 0બનાવ અંગે સંજયભાઈના પિતા ભીખાભાઈ બચુભાઈ ડારા (ઉ.વ.51)એ રિક્ષાચાલક સાગરભાઈ નંદલાલભાઈ સુરેલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, બંને યુવાનો હરેશનું બાઈક લઈને પીપળીયા ચાર રસ્તા પાસે શાકભાજી લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ અકસ્માતમાં રિક્ષાચાલક સાગરભાઈને પણ ગંભીર ઇજાઓ થતાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.