શનિવારે સવારે 11 વાગ્યે મહાપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શનનું એલાન
મોરબી : મોરબી શહેરના રહેણાંક વિસ્તારો અને ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદે કતલખાનાઓ ધમધમતા હોવાની અનેક રજુઆત છતાં કોઈ નકકર કાર્યવાહી ન કરાતા હિન્દુ સંગઠનો આકરા પાણીએ થયા છે. જો કે, ગુરુવારે બપોરે શક્તિ ચોક પાસે આવેલા મંદિર નજીકથી માંસના અવશેષો મળી આવતાં હિન્દુ સમાજના આગેવાનોમાં રોષ ફેલાયો છે. કતલખાના બંધ કરાવવા નક્કર કાર્યવાહીની માંગ સાથે આવતીકાલે શનિવાર, તા. 21 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે મોરબી મહાનગરપાલિકાના પાર્કિંગ ગ્રાઉન્ડમાં વિરોધ પ્રદર્શન યોજવાનું એલાન કરવામાં આવ્યું છે.
હિન્દુ સંગઠનોના આગેવાનોના જણાવ્યા મુજબ, શહેરમાં રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળોની આસપાસ કથિત ગેરકાયદે કતલખાનાઓ ચલાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઠેરઠેર ઈંડા અને નોનવેજની લારીઓ તેમજ હોટલો શરૂ થઈ રહી છે. આ પ્રવૃત્તિઓ સામે સર્વે હિન્દુ સંગઠનો, સમાજના આગેવાનો અને સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કાયમી ઉકેલ આવ્યો નથી અને માત્ર આશ્વાસનો જ આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગુરુવારે શક્તિ ચોક નજીક મંદિર પાસેથી માંસના અવશેષો મળી આવવાની ઘટનાને પગલે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ધાર્મિક સ્થળોની ગરિમા અને જાહેર સ્વચ્છતાના પ્રશ્ને તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હિન્દુ સંગઠનના આગેવાનોએ મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર સમક્ષ પણ આ પ્રશ્ને નક્કર કામગીરી કરવાની માંગ કરી છે. પ્રજાના કરવેરામાંથી પગાર મેળવતા અધિકારીઓની જવાબદારી જાહેર સુવિધા અને જનહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની છે ત્યારે સ્થાનિક રહીશોની ફરિયાદો અને ધાર્મિક સ્થળો સાથે જોડાયેલી લાગણીઓને ગંભીરતાથી લેવી જોઈએ તેમ જણાવ્યું છે. આવતીકાલે શનિવારે સવારે 11 વાગ્યે મહાનગરપાલિકાના પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે તમામ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો, કાર્યકરો તેમજ સમાજના ભાઈઓ-બહેનો અને જાગૃત નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. અહીં તંત્ર સામે શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ નોંધાવી કથિત ગેરકાયદે કતલખાનાઓ સામે માત્ર આશ્વાસનને બદલે કાયદેસરની અને નક્કર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે. આ લડત કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં, પરંતુ જાહેર હિત, કાયદાનું પાલન, જીવદયા અને ધાર્મિક સ્થળોની ગરિમા જાળવવા માટે હોવાનું સંગઠનોના આગેવાનોએ જણાવ્યું છે.