મોરબી : મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તારમાં બોરવેલની કામગીરી દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં ખાનપર ગામના 50 વર્ષીય પ્રૌઢનું મોત નીપજ્યું છે. બોરવેલનો પાઈપ અચાનક માથા પર પડતાં ગંભીર ઈજાઓ થવાથી તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબીના ખાનપર ગામના રહેવાસી જગદીશભાઈ માવજીભાઈ અમૃતિયા (ઉં.વ. 50) મોટી વાવડીની સીમમાં હરપાલસિંહ નટુભા જાડેજાની વાડીમાં હાજર હતા. આ દરમિયાન બોરવેલની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પાઈપ તેમના માથા પર પડ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.