Thursday - Nov 12, 2026

કથાના મંચેથી માનવતાની મહેક પ્રસરાવતું મોરબીનું સંસ્કાર ધૂન મંડળ : ભાગવત સપ્તાહની સાથે સેવાયજ્ઞની અનોખો સંગમ

કથાના મંચેથી માનવતાની મહેક પ્રસરાવતું મોરબીનું સંસ્કાર ધૂન મંડળ : ભાગવત સપ્તાહની સાથે સેવાયજ્ઞની અનોખો સંગમ

18થી 24 નવેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સપ્તાહ પારાયણનું આયોજન, એક તરફ રામજન્મોત્સવ-કૃષ્ણજન્મોત્સવની ઉજવણી તો બીજી તરફ નિરાધાર પરિવારોને અનાજ, વિદ્યાર્થીઓની ફી, ગરીબ દર્દીઓને સારવાર અને વિધવા બહેનોને સ્વરોજગાર માટે સહાય

મોરબી : કોઈના ઘરમાં અનાજની કમી ન રહે, ગરીબ બાળકનું શિક્ષણ ન અટકે, જરૂરિયાતમંદ દર્દીને સારવારથી વંચિત ન રહેવું પડે અને આર્થિક મુશ્કેલીમાં જીવતી વિધવા બહેન પોતાના પગભર થઈ શકે... ધર્મના સંસ્કારોને સેવાકાર્યમાં ઉતારવાની આવી ઉમદા ભાવના સાથે મોરબીનું સંસ્કાર ધૂન મંડળ ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે માનવસેવાનું અનોખું કાર્ય કરી રહ્યું છે. માત્ર કથા-કીર્તન પૂરતું નહીં, પરંતુ જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં રાહત અને આશાનો પ્રકાશ પાથરતી આ સેવાપ્રવૃત્તિઓ વચ્ચે હવે મંડળ દ્વારા 18થી 24 નવેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.
 

કથાના મંચેથી માનવતાની મહેક પ્રસરાવતું મોરબીનું સંસ્કાર ધૂન મંડળ : ભાગવત સપ્તાહની સાથે સેવાયજ્ઞની અનોખો સંગમ

તા. 18 નવેમ્બરના રોજ સાંજે 7:30 કલાકે પોથીયાત્રા સાથે ધાર્મિક આયોજનનો પ્રારંભ થશે. રાત્રે 8 વાગ્યે પોથીપૂજન અને આરતી તથા 8:30 કલાકે દીપ પ્રાગટ્ય યોજાશે. ધામજી ભગતના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ રાત્રે 8:45 કલાકે ભાગવત કથાનો પ્રારંભ થશે. સપ્તાહ દરમિયાન તા. 20 નવેમ્બરના રોજ રાત્રે 11 કલાકે રામજન્મોત્સવ અને તા. 21 નવેમ્બરના રોજ રાત્રે 11 કલાકે કૃષ્ણજન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. તા. 24 નવેમ્બરના રોજ રાત્રે 11 કલાકે કથાની પૂર્ણાહુતિ થશે.

આ ધાર્મિક આયોજનમાં સત્સંગજીવનદાસ સ્વામી, નારાયણસ્વરૂપદાસ સ્વામી, સત્યપ્રકાશદાસ સ્વામી, ચૈતન્યપ્રિયદાસ સ્વામી સહિતના સંતો અને મહંતોની ઉપસ્થિતિ રહેશે.


કોઈ ભૂખ્યું ન રહે, કોઈનું ભણતર ન અટકે એ જ સેવાયજ્ઞનો સંકલ્પ

સંસ્કાર ધૂન મંડળની સેવાપ્રવૃત્તિઓમાં સૌથી મહત્ત્વનું કાર્ય નિરાધાર પરિવારોની નિયમિત સંભાળ રાખવાનું છે. મંડળ દ્વારા દર મહિનાની 1થી 5 તારીખ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ આપવામાં આવે છે, જેથી આર્થિક મુશ્કેલીમાં જીવતા પરિવારોને ઘર ચલાવવામાં મદદ મળી રહે.

આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે જરૂરિયાતમંદ બાળકોની અભ્યાસ ફી ભરવામાં આવે છે. ગરીબ દર્દીઓને સારવાર અને જરૂરી દવાઓ માટે સહાય આપવામાં આવે છે. જ્યારે પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ આર્થિક મુશ્કેલીનો સામનો કરતી વિધવા બહેનોને સિલાઈ મશીન અથવા અન્ય જરૂરી સાધનો આપીને સ્વરોજગાર તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આટલું જ નહીં, કોઈ પરિવાર પર અચાનક મુશ્કેલી આવી પડે ત્યારે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરીને પણ મંડળ માનવતાની ફરજ નિભાવે છે. આમ, અનાજથી લઈને શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સુધીની જરૂરિયાતોને સ્પર્શતી સેવાપ્રવૃત્તિઓ દ્વારા સંસ્કાર ધૂન મંડળ સમાજના જરૂરિયાતમંદ વર્ગને આધાર આપવાનું કાર્ય કરી રહ્યું છે.

એક તરફ ભાગવત કથાના માધ્યમથી ધર્મ અને સંસ્કારોનું સિંચન અને બીજી તરફ સેવાકાર્યો દ્વારા માનવતાનું જતન... આ બંને પ્રવૃત્તિઓનો સમન્વય સંસ્કાર ધૂન મંડળના આયોજનને વિશેષ ઓળખ આપે છે. આયોજકો દ્વારા મોરબીના ધર્મપ્રેમી નાગરિકો અને ભાવિક ભક્તોને સપ્તાહ પારાયણમાં ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.