8 પેઢીઓ પાસે લાઇસન્સ ન હોવાથી નોટિસ, બે સ્થળેથી 7 કિલો બળેલું તેલ કઢાવ્યું; મીઠાઈ-ફરસાણનાં કારખાનાંમાં ગંદકી બદલ પણ કાર્યવાહી
મોરબી : દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં અવેલી મીઠાઈ, ફરસાણ સહિત ખાણીપીણીની પેઢીઓ સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં આવેલી આશરે 95 ખાદ્યપદાર્થોની પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં લાઇસન્સ વગર ધંધો કરતા વેપારીઓ, અખાદ્ય ખોરાક, બળેલું તેલ, એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ તેમજ સ્વચ્છતાના અભાવ સામે કાર્યવાહી કરીને નોટિસ ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન આશરે 15 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.
મનપાની ફૂડ શાખા દ્વારા રવાપર રોડ, શનાળા રોડ, રવાપર ચોકડી, શનાળા, ઉમિયા સર્કલ, જીઆઈડીસી, કન્યા છાત્રાલય રોડ, જૂના બસ સ્ટેન્ડ રોડ, નગર દરવાજા, સામાકાંઠે, મહારાણા પ્રતાપ સર્કલ, પંચાસર રોડ અને ડી-માર્ટ રોડ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 95 પેઢીઓમાંથી 8 પેઢીઓ પાસે જરૂરી લાઇસન્સ ન હોવાનું સામે આવતાં નોટિસ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન આશરે 20 પેઢીઓમાં TPC મશીન દ્વારા વપરાતા તેલની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. જેમાં ડી-માર્ટ રોડ પર આવેલી પિઝા પાઇ અને શનાળા રોડ પર આવેલી બર્ગર મોલમાં TPCનું પ્રમાણ 25થી વધુ જોવા મળતાં બંને સ્થળેથી આશરે 7 કિલો બળેલા તેલનો નાશ કરાવી નોટિસ ફટકારવામાં આવી હતી.
ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસણી દરમિયાન રવાપર રોડ પર આવેલી ગુરુજી ફાસ્ટ ફૂડમાંથી વાસી મંચુરિયન ગ્રેવી અને અખાદ્ય ચીજ મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. ડી-માર્ટ રોડ પર આવેલી પિઝા પાઇમાંથી આશરે 300 ગ્રામ વાસી પાસ્તા તથા ધ લવ ઓફ વફલમાંથી એક્સપાયરી ડેટવાળા 500 ગ્રામ ચોકો ચિપ્સનો નાશ કરાયો હતો. જ્યારે અવધ સ્વીટમાંથી એક્સપાયરી ડેટવાળા ચવાણા અને ચોરાફળીના પેકેટોનો નાશ કરીને નોટિસ આપવામાં આવી હતી. બીજી તરફ મીઠાઈ અને ફરસાણનાં કારખાનાં તથા રસોડાંની તપાસમાં અવધ સ્વીટ, પટેલ સ્વીટ એન્ડ નમકીન તથા ભોલેબાબા ડેરી ફાર્મમાં ભારે ગંદકી અને કારીગરોની વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. આ બેદરકારી બદલ સંબંધિત પેઢીઓને સ્વચ્છતા જાળવવા કડક નોટિસ ફટકારવામાં આવી હતી.
ઉપરાંત પંચાસર રોડ અને સામાકાંઠા વિસ્તારમાં આવેલા જય અંબે વોટર, પવિત્ર વોટર, સ્પીડ વોટર, શ્રી ગણેશ વોટર અને શિવ ગંગા વોટર સહિતના પાંચ આર.ઓ. વોટર પ્લાન્ટમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. ચકાસણીના અહેવાલમાં પાંચેય પેઢીઓના પાણીના નમૂના યોગ્ય જણાતાં પાણી પીવાલાયક હોવાનું સામે આવ્યું હતું. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મનપાની ફૂડ શાખા દ્વારા હાથ ધરાયેલી આ તપાસમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.