ત્રણ શખ્સોએ યુવાનને સાથળમાં છરીના ઘા ઝીંક્યા, પિતાને પણ તલવારથી ઇજા
મોરબી : મોરબીના ઋષભનગર મેઇન રોડ પર મકાનના દસ્તાવેજ કરાવવા બાબતે થયેલી માથાકૂટમાં ત્રણ શખ્સોએ પિતા-પુત્ર પર છરી, તલવાર અને ધોકા વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં યુવાનને સાથળના ભાગે છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા, જ્યારે પિતાને પણ તલવારથી હુમલો કરી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના ઋષભનગર મેઇન રોડ પર રહેતા કલ્પેશભાઈ ભુપતભાઈ રવેશિયા (ઉં.વ. ૪૬)એ રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા, ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (બંને રહે. જનકલ્યાણનગર, મોરબી) અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, જનકલ્યાણનગરમાં આવેલા મકાનના દસ્તાવેજ કરાવવા બાબતે રાજેન્દ્રસિંહ ફરિયાદીના પિતા ભુપતભાઈ સાથે ઝપાઝપી કરી રહ્યા હતા. આ દરમિયાન કલ્પેશભાઈ વચ્ચે પડતાં ઉશ્કેરાયેલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. રાજેન્દ્રસિંહ તલવાર લઈને ફરિયાદીના ઘર પાસેની શેરીમાં આવ્યો હતો અને કલ્પેશભાઈ તેમજ તેમના પિતા ભુપતભાઈને તલવાર વડે ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત ઓમદેવસિંહે કલ્પેશભાઈના જમણા પગના સાથળના ભાગે છરીનો ઘા માર્યો હતો. રાજેન્દ્રસિંહે ગળા પર તલવારનો ઘા મારવાનો પ્રયાસ કરતાં કલ્પેશભાઈએ બચાવમાં હાથ વચ્ચે ધરતાં તેમની આંગળીમાં ઇજા થઈ હતી. જ્યારે સાથે આવેલા અજાણ્યા શખ્સે ધોકા વડે તેમના ડાબા પગના સાથળમાં માર માર્યો હતો. હુમલા દરમિયાન પિતા-પુત્રએ બૂમાબૂમ કરતાં ત્રણેય શખ્સો થાર ગાડી લઈને નાસી ગયા હતા. જોકે, જતા પહેલાં આરોપીઓએ ફરી ભેગા થશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવમાં ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.