Saturday - Nov 07, 2026

મોરબીમાં મહિલા ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયા

મોરબીમાં મહિલા ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયા

સ્કોરના આધારે સટ્ટો રમતા હોવાનો ખુલાસો, રૂ. ૩૫,૮૦૦નો મુદ્દામાલ કબજે, એક શખ્સનું નામ ખુલ્યું

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર ઘનશ્યામ માર્કેટ નજીક ભવાની સોડાવાળી શેરીમાં ક્રિકેટ સટ્ટા અંગેની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં મહિલા ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચનો મોબાઇલમાં લાઇવ સ્કોર જોઈ સટ્ટો રમતા બે શખ્સોને રૂ. ૩૫,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે તપાસ દરમિયાન વધુ એક શખ્સનું નામ ખુલતા તેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘનશ્યામ માર્કેટ પાસે ભવાની સોડાવાળી શેરીમાં ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં યુસુફભાઈ કાસમભાઈ દલવાણી (ઉં.વ. ૪૯) અને ઈમ્તિયાઝ ઉર્ફે બાલો અબ્દુલભાઈ ચાનીયા (ઉં.વ. ૩૩), બંને રહે. કાલિકા પ્લોટ, મોરબી મળી આવ્યા હતા. પોલીસે બંને પાસેથી રૂ. ૮૦૦ રોકડા અને રૂ. ૩૫,૦૦૦ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૫,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ફિરોજ માજોઠી (રહે. મોરબી)નું નામ સામે આવ્યું હતું. જેથી ત્રણેય શખ્સો સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી, ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.