તમામ 42 જેટલા સ્ટાફની રજાઓ રદ, શહેરના પાંચ મહત્વના સ્થળોએ ફાયર ફાઇટર અને અત્યાધુનિક સાધનો સાથે ટીમો તૈનાત; આગની ઘટના બને તો તાત્કાલિક પહોંચી શકાય તેવું આયોજન
મોરબી : દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન ફટાકડાના ધૂમધડાકા વચ્ચે આગની સંભવિત ઘટનાઓને પહોંચી વળવા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા વિશેષ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીની રાત્રે સાંજે 7 વાગ્યાથી સવાર સુધી ફાયર બ્રિગેડની પાંચ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં સંપૂર્ણ સાધન સામગ્રી સાથે સ્ટેન્ડ બાય રહેશે. આ માટે ફાયર વિભાગના કુલ 42 જેટલા સ્ટાફની રજાઓ પણ રદ કરવામાં આવી છે.
દિવાળીની રાત્રે મુખ્ય ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઈ ડાકી સહિતના સ્ટાફની જવાબદારી હેઠળ પાંચ ટીમો કાર્યરત રહેશે. જેમાં રવાપર ચોકડી, શનાળા રોડ નવું બસ સ્ટેન્ડ, સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી, મહારાણા પ્રતાપ સર્કલ અને કેસરબાગ પાછળ આવેલા ફાયર સ્ટેશન ખાતે ટીમો તૈનાત કરવામાં આવશે. દરેક સ્થળે પાણી સહિતના જરૂરી સાધનો અને ફાયર ફાઇટર સાથે સ્ટાફ હાજર રહેશે, જેથી શહેરના કોઈપણ વિસ્તારમાં આગની ઘટના બને તો તાત્કાલિક પહોંચી શકાય અને કટોકટીના સમયે સાધનો મેળવવામાં સમય વેડફાય નહીં.
આ આયોજન અંતર્ગત ફાયર વિભાગ દ્વારા બે મીની ફાયર ફાઇટર ઉપરાંત 8 હજાર, 12 હજાર અને 20 હજાર લીટરની ક્ષમતાવાળા ત્રણ મોટા ફાયર ફાઇટર તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે સાંકડી શેરીઓમાં પ્રવેશી શકે તેવું ખાસ સાધન, ઊંચી ઇમારતોમાં આગ બુઝાવવા માટેનું અદ્યતન સાધન અને રેસ્ક્યુ માટે ગજરાજ વાહન પણ સ્ટેન્ડ બાય રહેશે.
આ ઉપરાંત 12થી 13 વોટર બાઉઝર સહિતની સાધન સામગ્રી તૈયાર રાખવામાં આવી છે. દિવાળીની રાત્રે શહેરમાં ફટાકડાની આતશબાજી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને આગની ઘટના સર્જાય તો તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાય તે માટે ફાયર બ્રિગેડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આમ, મોરબીવાસીઓ નિશ્ચિંત બની દિવાળીની ઉજવણી કરી શકે તે માટે ફાયર વિભાગની ટીમ આખી રાત ફરજ પર તૈનાત રહેશે.