Saturday - Nov 07, 2026

મોરબી જિલ્લામાં નવી ૩ વાજબી ભાવની દુકાનો શરૂ કરવા અરજીઓ મંગાવાઈ

મોરબી જિલ્લામાં નવી ૩ વાજબી ભાવની દુકાનો શરૂ કરવા અરજીઓ મંગાવાઈ

વવાણીયા, ધુનડા સજનપર અને હળવદ શહેરી વિસ્તાર-૫માં દુકાન ફાળવાશે, રસ ધરાવતા ઉમેદવારો ૧૬ અને ૧૮ નવેમ્બર સુધી અરજી કરી શકશે

મોરબી : મોરબી જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા નવી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (વાજબી ભાવની દુકાનો) શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના ઠરાવ અંતર્ગત જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ ત્રણ નવી વાજબી ભાવની દુકાનો માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

જેમાં માળીયા તાલુકાના વવાણીયા ગામ, મોરબી તાલુકાના ધુનડા સજનપર ગામ અને હળવદ શહેરી વિસ્તાર-૫નો સમાવેશ થાય છે. ત્રણેય જગ્યાઓ બિનઅનામત સામાન્ય વર્ગ માટે નિયત કરવામાં આવી છે.

આ દુકાનો મેળવવા ઇચ્છુક ઉમેદવારો નિયત નમૂનાના અરજી પત્રકો સંબંધિત તાલુકા મામલતદાર કચેરીમાંથી કામકાજના સમય દરમિયાન રૂબરૂ વિનામૂલ્યે મેળવી શકશે. ઉપરાંત સરકારના https://ipds.gujarat.gov.in/ILMS પોર્ટલ પરથી પણ અરજી પત્રક મેળવી શકાશે.

અરજદારોએ વવાણીયા અને ધુનડા સજનપર ગામ માટે જરૂરી વિગતો અને આધાર-પુરાવા સાથે અરજી તા. ૧૬ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં સંબંધિત મામલતદાર કચેરીમાં રૂબરૂ અથવા ઓનલાઈન માધ્યમથી રજૂ કરવાની રહેશે. જ્યારે હળવદ શહેરી વિસ્તાર-૫ માટે અરજી કરવાની છેલ્લી તારીખ તા. ૧૮ નવેમ્બર ૨૦૨૬ નિયત કરવામાં આવી છે. અરજી સાથે રૂ. ૧૦૦ની કિંમતનો નોન-જ્યુડિશિયલ એડહેસિવ સ્ટેમ્પ લગાવવો ફરજિયાત છે. નિયત સમયમર્યાદા બાદ મળેલી અથવા અધૂરી વિગતો ધરાવતી અરજીઓ રદ કરવામાં આવશે. આ અંગે મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.