Saturday - Oct 31, 2026

આજે સરદાર જયંતી* : સરદાર પટેલે મોરબીમાં રાષ્ટ્રીય ચેતના સાથે "સ્વદેશી"ની ચળવળને વેગ આપ્યો હતો

આજે સરદાર જયંતી* : સરદાર પટેલે મોરબીમાં રાષ્ટ્રીય ચેતના સાથે

માર્ચ ૧૯૨૯માં પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ તરીકે મોરબીમાં આવી ખાદી, સ્વદેશી અને પ્રજાજાગૃતિને રાજકીય લડત સાથે જોડવાનો આપ્યો હતો સંદેશ

(*RB NEWS* ફાઉન્ડર રવિ બરાસરા) :  અંખડ ભારતના શિલ્પી લોંખડી પુરુષ તેમજ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અસરદાર નેતા સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન માત્ર બારડોલી સત્યાગ્રહ કે દેશી રજવાડાંના એકીકરણ પૂરતું સીમિત નહોતું. સૌરાષ્ટ્રમાં પણ રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવામાં અને ખાસ મોરબીમાં પરદેશી કપડાનો બેહિષ્કાર કરીને આઝાદીની ચળવળને તેઓએ ખૂબ જ વેગ આપ્યો હતો. ખાસ કરીને મોરબી સાથે તેમનો ઐતિહાસિક સંબંધ માર્ચ ૧૯૨૯ની પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદ સાથે જોડાયેલો છે. તા. ૩૦ માર્ચ, ૧૯૨૯ના રોજ સરદાર પટેલ મોરબીમાં યોજાયેલી આ પરિષદમાં પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ તે સમયે સૌરાષ્ટ્રનું પેરિસ અને સમૃદ્ધ ગણાતા મોરબીની ધરતી પર તેમનું આગમન ઐતિહાસિક ગણાય છે. તેમણે મોરબી આવી લોકોમાં રાષ્ટ્રીય ચેતના જગાવી દરેક વ્યક્તિને અહિંસક રીતે સ્વતંત્રતા સંગ્રામમાં જોડવા અને ખાસ મોરબીના વેપારીઓમાં પરદેશી કપડાનો બેહિષ્કાર કરવાની જાગૃતિ ફેલાવી હતી.

પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં સરદાર પટેલે મોરબી સહિતની કાઠિયાવાડની પ્રજાને સંગઠિત થવા, આત્મવિશ્વાસ કેળવવા અને પોતાના હકો માટે જાગૃત બનવાનો સંદેશ આપ્યો હતો. તે સમયના દેશી રજવાડાઓમાં પ્રજાને રાજકીય અધિકારો અને શાસન વ્યવસ્થામાં ભાગીદારીના મર્યાદિત અવસર મળતા હતા. આવા સંજોગોમાં પ્રજાના પ્રશ્નોને સંગઠિત રીતે રજૂ કરવા અને શાંતિપૂર્ણ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પરિવર્તન લાવવા પરિષદમાં ભાર મૂકયો હતો.

સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર, સમાજસેવા થકી જ રાષ્ટ્રીય ચળવળને સાચી તાકાત મળી

સરદાર પટેલની મુલાકાતનું એક વિશેષ પાસું સ્વદેશી વિચારધારા સાથે જોડાયેલું હતું. તે સમયે વિદેશી કાપડના બહિષ્કાર અને ખાદીના ઉપયોગને આઝાદીની લડતનું મહત્ત્વનું અંગ બનાવવામાં આવ્યું હતું. મોરબીમાં યોજાયેલી પરિષદમાં મહાત્મા ગાંધીજીની પણ ઉપસ્થિતિ રહી હતી. ગાંધીજીએ પોતાના સંબોધનમાં ચરખા દ્વારા સૂતર કાંતવા, ખાદીનો ઉપયોગ વધારવા અને અમરેલીની ખાદીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર રાજકીય ભાષણોથી નહીં, પરંતુ સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર અને સમાજસેવા જેવા રચનાત્મક કાર્યો થકી જ રાષ્ટ્રીય ચળવળને સાચી તાકાત મળી શકે. આ રીતે મોરબીની આ પરિષદ રાજકીય ચર્ચા પૂરતી મર્યાદિત ન રહેતાં સ્વદેશી વિચાર, ખાદી, સામાજિક સમાનતા અને પ્રજાની ભાગીદારી જેવા મુદ્દાઓને આગળ લાવવાનું માધ્યમ બની હતી. સરદાર પટેલની આ મુલાકાતને કારણે મોરબીના રાજકીય કાર્યકરોને રાષ્ટ્રીય આંદોલન સાથે જોડાવા માટે નવું જોશ મળ્યું હતું.

રાજાશાહીનો અંત અને લોકશાહીની સ્થાપના

સરદાર પટેલની કુનેહ અને સમજાવટને કારણે મોરબી રજવાડાના અંતિમ શાસક મહારાજા લખધીરજી વાઘજીએ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ મોરબી રજવાડું ભારતીય સંઘ (યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ/સૌરાષ્ટ્ર રાજ્ય) માં ભેળવી દેવાની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. સરદાર પટેલે મોરબીના રાજવી પરિવારે આપેલા આ સહયોગ અને ત્યાગને બિરદાવ્યો હતો.

સ્વદેશી આંદોલનને વેગ (૧૯૩૦)

આઝાદીની લડત દરમિયાન મહાત્મા ગાંધી અને સરદાર પટેલના આહ્વાન પર દેશભરમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાનું આંદોલન ચાલતું હતું. ત્યારે સરદાર પટેલે મોરબીના વેપારીઓનું હૃદયપરિવર્તન કર્યું હતું. જેમાં ફેબ્રુઆરી ૧૯૩૦માં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આ વિસ્તારની મુલાકાત લીધી અને મોરબીના સ્થાનીક વેપારીઓ સાથે બેઠકો કરી, ત્યારે તેમણે વેપારીઓને વિદેશી કાપડ ન વેચવા માટે સમજાવ્યા હતા. તેમની પ્રેરણાથી મોરબીના વેપારીઓએ પરદેશી કાપડનો વેપાર બંધ કરીને 'સ્વદેશી' અપનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.

ખેડૂતો અને શ્રમિકોનું સંગઠન

સરદાર પટેલ મૂળભૂત રીતે ખેડૂત નેતા હતા (જેમણે બારડોલી અને ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું). મોરબી અને આસપાસના કાઠિયાવાડ વિસ્તારની મુલાકાતો દરમિયાન તેમણે જમીન મહેસૂલ અને રાજાશાહીના કરવેરાથી પીડાતા સ્થાનિક ખેડૂતોને સંગઠિત થવાની હાકલ કરી હતી. ખેડૂતોમાં અન્યાય સામે લડવાની હિંમત જગાડી અને તેમને રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડ્યા હતા.