પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું, મહાનુભાવો સહિત અધિકારીઓ, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા
મોરબી : અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ મોરબીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી એકતા દોડનો પ્રારંભ કરાયો હતો, જે શનાળા રોડ પર આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી.
એકતા દોડના પ્રારંભ પૂર્વે ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકોને રાજ્યકક્ષાના મંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશને લોકો સુધી પહોંચાડવા તથા નાગરિકોમાં દેશભાવનાને દ્રઢ કરવાના હેતુથી આ આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્યો દુર્લભજી દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય સોની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકતા દોડમાં પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ મોરબી જિલ્લાના નાગરિકોએ ભાગ લીધો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી દોડ શનાળા રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી.