રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ બ્લુઝોન ફેક્ટરીની મુલાકાત દરમિયાન ઉદ્યોગકારો સાથે બેઠક યોજી પ્રશ્નો સાંભળ્યા
મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગને અસર કરતા વીજળી અને પાણી સહિતના પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ બ્લુઝોન ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સિરામિક ઉદ્યોગના આગેવાનો, એસોસિએશનના હોદ્દેદારો તેમજ જેટકો અને પીજીવીસીએલના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા અને તપનભાઈ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં વીજળીના વારંવાર આવતા અવરોધો અને ભવિષ્યમાં વધનારી વીજ માંગને પહોંચી વળવા નવી વીજલાઈનો નાખવા તેમજ સબસ્ટેશનોનું નિર્માણ કરવા અંગે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઉદ્યોગને જરૂરી વીજળી અને અન્ય માળખાકીય સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, પાણીની સમસ્યા સહિતના પ્રશ્નો પણ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગના વિકાસમાં અવરોધરૂપ બનતા આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉદ્યોગકારોની રજૂઆતો હકારાત્મક અભિગમથી સાંભળી હતી અને પ્રશ્નોના વહેલી તકે ઉકેલ માટે શક્ય તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું હતું કે, સિરામિક ઉદ્યોગના વિકાસ અને જરૂરી સુવિધાઓના વિસ્તરણ માટે સરકાર તથા ઉદ્યોગ વચ્ચે આવો સંવાદ મહત્ત્વનો છે. ઉદ્યોગકારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે માટે આ બેઠક ઉપયોગી બની રહેશે.