Friday - Oct 30, 2026

મોરબીની રવીરાજ ચોકડી પાસે ટ્રેલરની બોલેરો સાથે ટક્કર બાદ ટાઇલ્સ નીચે દબાતા આધેડનું મોત

મોરબીની રવીરાજ ચોકડી પાસે ટ્રેલરની બોલેરો સાથે ટક્કર બાદ ટાઇલ્સ નીચે દબાતા આધેડનું મોત

મોરબી : મોરબીની રવીરાજ ચોકડી પાસે ઓવરબ્રિજના છેડા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચોટીલા તાલુકાના કાળાસર ગામેથી કોથમરીનો જથ્થો ભરી કચ્છ તરફ જઈ રહેલા બે વ્યક્તિઓએ લઘુશંકા માટે પોતાની બોલેરો ગાડી રોડ સાઇડમાં ઊભી રાખી હતી. ત્યારબાદ બંને પરત ગાડીમાં બેસી કચ્છ જવા રવાના થવાની તૈયારીમાં હતા ત્યારે ટ્રક-ટ્રેલર બોલેરો સાથે અથડાયું હતું. અકસ્માતના પગલે ટ્રક-ટ્રેલર પલટી મારી જતાં તેમાં ભરેલો ટાઇલ્સનો જથ્થો વેરવિખેર થયો હતો. આ દરમિયાન વાહન અને ટાઇલ્સના જથ્થા નીચે દબાઈ જવાથી એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અકસ્મતમાં જીવ ગુમાવનાર આધેડની ઓળખ ચોટીલા તાલુકાના કાળાસર ગામના રાણાભાઈ નારણભાઈ બાવળીયા (ઉ.વ. 55) તરીકે થઈ છે, જ્યારે ઈજાગ્રસ્ત યુવાન શૈલેષભાઈ સંગ્રામભાઈ સાબરીયા (ઉ.વ. 42) હોવાનું જાણવા મળ્યું છે. બંને બોલેરો ગાડીમાં કોથમરી ભરીને કચ્છ જિલ્લામાં વેચાણ માટે જઈ રહ્યા હતા. દરમિયાન રવીરાજ ચોકડી પાસે ઓવરબ્રિજના છેડા નજીક ગાડી ઊભી રાખીને રોડ સાઇડમાં લઘુશંકા માટે ગયા હતા. પરત આવી બોલેરોમાં બેસી રહ્યા હતા તે સમયે ટ્રક-ટ્રેલર તેમની ગાડી સાથે અથડાઈને પલટી ગયું હતું. જેના કારણે રાણાભાઈ ટ્રક અને ટાઇલ્સના જથ્થા નીચે દબાઈ ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. શૈલેષભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માતની નોંધ કરી ફરિયાદ લેવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.