મહેન્દ્રનગરની સોમનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી પીવા અને વપરાશના પાણીની અછત; અગાઉ ખાતરી આપવા છતાં પ્રશ્ન ન ઉકેલાતા રોષ, હવે મહાનગરપાલિકામાં રજૂઆત કરશે
મોરબી : મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી સોમનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાથી આજે સવારે મહિલાઓ, બાળકો અને પુરુષો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મહેન્દ્રનગર ચોકડીના ચારેય તરફના રસ્તા બંધ કરી ચક્કાજામ કર્યો હતો. જેના કારણે સતત વાહનોથી ધમધમતી ચોકડી પર કાર, રિક્ષા, ટ્રક અને ડમ્પર સહિતનાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને લોકોને સમજાવી રસ્તા પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 3માં આવતા મહેન્દ્રનગર ગામની સોમનાથ સોસાયટી અને આસપાસના સોસાયટી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવા તથા વપરાશના પાણીની પૂરતી સુવિધા મળતી નથી. આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિકો દ્વારા અગાઉ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. એટલું જ નહીં, અગાઉ પણ મહેન્દ્રનગર ચોકડી પાસે પાણીના પ્રશ્ને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીની સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી. જોકે, ખાતરી આપવા છતાં આજદિન સુધી સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આખરે આજે સવારે મહિલાઓ સહિતના સ્થાનિકોએ મહેન્દ્રનગર ચોકડી પર ચારેય તરફથી રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામના પગલે વાહનચાલકો અટવાયા હતા અને ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે સમજાવટ કરીને રસ્તો ખુલ્લો કરાવ્યા બાદ વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો. બીજી તરફ પાણીનો પ્રશ્ન હજુ યથાવત હોવાથી સ્થાનિકો હવે મહાનગરપાલિકા કચેરીએ જઈ રજૂઆત કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરશે. શિયાળાની ઋતુમાં જ પાણી માટે આવી હાલાકી સર્જાતી હોય ત્યારે આગામી ઉનાળામાં સ્થિતિ કેવી રહેશે તેવો સવાલ પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.