Friday - Oct 30, 2026

ઝૂલતાપુલ દુર્ઘટનાની આજે ચોથી વરસી : હમ યાદો કે ફૂલ ચઢાએ ઓર આંસુ કે દીપ જલાયે

ઝૂલતાપુલ દુર્ઘટનાની આજે ચોથી વરસી : હમ યાદો કે ફૂલ ચઢાએ ઓર આંસુ કે દીપ જલાયે

સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલ સહિત ૧૦ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ, હાઈકોર્ટમાં પડકાર બાદ ચાર્જ ઘડવાની કાર્યવાહી અટકી

(રવિ બરાસરા) : 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબીની ઝૂલતા પુલ તૂટી પડવાની  દુર્ઘટનાને આજે ચાર વર્ષ પૂર્ણ થયાં છે. 30 ઓક્ટોબર 2022 ના રોજ બનેલી આ ઘટનાના ચાર વર્ષ બાદ પણ જવાબદારો સામેની કાયદાકીય કાર્યવાહી અંતિમ તબક્કે પહોંચી નથી. ચાર વર્ષ બાદ પણ હજુ એક પણ આરોપી સામે ચાર્જ ફ્રેમ થઈ શકી નથી. મોરબી સેશન્સ કોર્ટમાં ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલ સહિત 10 આરોપીઓએ ગુનામાંથી મુક્ત કરવાની કરેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવાયા બાદ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં તેને પડકારી છે. હાઈ કોર્ટ દ્વારા પણ અરજી  રહેવાને કારણે ચાર્જ ફ્રેમ કરવા માટે સ્ટે મૂકવામાં આવ્યો છે. હાઈકોર્ટની કાર્યવાહીને પગલે આરોપો ઘડવાની પ્રક્રિયા અટકેલી રહેતાં ટ્રાયલ આગળ વધવાનો માર્ગ હજુ સ્પષ્ટ થયો નથી. બીજી તરફ ઝૂલતા પુલ દુર્ઘટનામાં પીડિત પરિવાર ની સુપ્રીમ કોર્ટમાં અરજી પેન્ડિંગ  જેમાં આરોપીઓ સામે 302 અંતર્ગત ગુન્હો દાખલ કરવામાં તેમજ સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઈ ને સોંપવાની માગણી કરવામા આવી છે

(બોક્સ) પૂર્વ મંજૂરી કે ફિટનેસ સર્ટિફિકેટ વિના ખુલ્લો મુકાયેલો પુલ ચાર દિવસમાં જ તૂટી પડ્યો

૧૪૦ વર્ષ જૂના ઝૂલતાપુલનું સમારકામ ઓરેવા ગ્રૂપની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા.લિ. દ્વારા કરાવવામાં આવ્યું હતું. સમારકામ બાદ નગરપાલિકાનું જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા વિના જ 26 ઓક્ટોબર, 2022ના રોજ પુલને  ખુલ્લો મૂકી દેવાયો હતો. દિવાળી વેકેશનના દિવસોમાં પુલ પર મુલાકાતીઓની ભીડ વધતી ગઈ હતી. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૨ના રવિવારે સાંજે અંદાજે ૬:૪૦ વાગ્યે પુલ તૂટી પડતાં તેના પર સવાર લોકો સીધા મચ્છુ નદીમાં ખાબક્યા હતા.

ઘટનાની રાતથી પોલીસ તપાસ શરૂ, નવ આરોપીઓની ધરપકડ

દુર્ઘટનાની મોડી રાત્રે એટલે કે 31 ઓક્ટોબર, 2022ના રોજ મોરબી પોલીસે ગુનો નોંધી ભારતીય દંડ સંહિતાની કલમ 304અને 308 સહિતની જોગવાઈઓ હેઠળ તપાસ શરૂ કરી હતી. પ્રારંભિક તબક્કામાં ઓરેવા ગ્રૂપના મેનેજરો, ટિકિટ ક્લાર્ક, સુરક્ષાકર્મીઓ અને પુલના સમારકામ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં પુલના સમારકામ, જાળવણી, સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને લગતી જવાબદારીઓની તપાસ હાથ ધરાઈ હતી.

ત્રણ મહિના બાદ જયસુખ પટેલે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું

કેસમાં ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું હતું. લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહ્યા બાદ તેમણે 31 જાન્યુઆરી, 2023ના રોજ મોરબી કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તપાસ પૂર્ણ કરીને 1,200થી વધુ પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી, જેમાં પુલના સમારકામ અને જાળવણી સંબંધિત ગંભીર બેદરકારી તથા ટેકનિકલ ખામીઓ સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા, મોરબી જિલ્લામાં પ્રવેશ પર નિયંત્રણ

લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ જયસુખ પટેલને માર્ચ 2024માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારબાદ મોરબીની અદાલતે જામીનની શરતો નક્કી કરતાં ટ્રાયલ દરમિયાન મોરબી જિલ્લાની હદની બહાર રહેવા, પાસપોર્ટ જમા કરાવવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા સહિતની શરતો લાગુ કરી હતી. આ રીતે મુખ્ય આરોપીને જામીન મળ્યા હોવા છતાં તેમની સામેનો ફોજદારી કેસ યથાવત્ રહ્યો હતો.


વળતર ચૂકવાયું, પરંતુ ન્યાયની રાહ યથાવત્

દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોના પરિવારો અને ઘાયલોને વળતર ચૂકવવા અંગેના આદેશો બાદ ઓરેવા ગ્રૂપ દ્વારા મૃતકદીઠ રૂ. 10 લાખ અને ઘાયલદીઠ રૂ. 2 લાખ ચૂકવવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ સહાય જાહેર કરવામાં આવી હતી. જોકે, વળતર મળવું અને ગુનાની ન્યાયિક કાર્યવાહી પૂર્ણ થવી એ અલગ બાબતો છે. પીડિત પરિવારો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થાય અને અદાલતમાંથી અંતિમ ચુકાદો આવે તેની રાહ જોઈ રહ્યા છે.

પુલ તૂટતા જ કાળજું કંપાવે તેવા ખોફનાક દ્રશ્યો સર્જાયેલા : પ્રત્યક્ષદર્શી

ગત ૩૦-૧૦-૨૦૨૨ના રોજ અમે બે બહેનો, ચાર બાળકો મળીને પરિવારના છ સભ્યોએ નવા બનેલા ઝૂલતાપૂલ ઉપર ફરવા ગયા હતા. ત્યારે પગ મુકવાની જગ્યા ન હોય એવી ચિક્કાર ભીડ વચ્ચે અચાનક પુલ તૂટી પડતા હું અને મારી વ્હાલસોયી દીકરી આઈબા દેવરાજભાઈ ગઢવી તથા મારો પુત્ર દિવ્યાંશુ દેવરાજભાઈ ગઢવી નદીમાં ખાબકયા હતા. જીવ બચાવવા માટે ઘણા લોકોએ ભારે હવાતિયાં સાથે તરફડીયા માર્યા હતા. હું, મારો પુત્ર અને પુત્રી ત્રણેય નદીમા ખાબકયા એટલે તરત જ જીવ બચાવવા માટે પુલની તૂટી પડેલી પ્લેટો હાથમાં આવી ગઈ એના સહારે હું અને મારો પુત્ર હેમખેમ બહાર નીકળી ગયા પણ મારી વ્હાલસોયી પુત્રી આયાબાને બચાવી ન શકી એનો જિંદગીભર વસવસો રહી ગયો છે. જો કે પુલમાં ડૂબતા અનેક લોકોએ હાથ ઉંચા કરીને જીવ બચાવોની મરચીણસો પાડી હતી.પણ પાણીએ થોડી સેંકડોમાં પોતાની તાકાત બતાવી દીધી હતી. જે હાથ માત્ર પાણીમાં ઉંચા દેખાતા હતા. ત્યાં તે બધા હાથે જળસમાધી લઈ લીધી હતી અને હોસ્પિટલમાં મૃતદેહનો ખડકલો, સ્વજનોને શોધતા આપ્તજનો, નદીમાંથી નીકળતા મૃતકો એને જોઈને ચોધાર અસુએ રડી પડતા એના સ્વજનો, રાતભર સાયરન સાથે દોડતી એમયુલન્સ આ બધા ખોફનાક દ્રશ્યોએ આજે પણ કંપારી છુટાવી દે છે.

-મોનાબેન ગઢવી દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી

પુત્રએ જ તીર્થયાત્રા કરવા મોકલ્યા અને એના જ મોતના સમાચાર મળ્યા

અમે તો વૃદ્ધ થઈ ગયા હોય પરિવારમા કમાનાર એક મારો પુત્ર મહેશ મકવાણા જ હતો. એ પલંબરનું મજૂરી કામ કરીને તેના દીકરા દીકરીને ભણાવવાની અમે વૃદ્ધ માબાપનું કાળજીપૂર્વક જતન કરતો હતો. પુત્ર ભલે મજૂરી કામ કરતો હોય અને એના હાથ તંગ રહેતા હોવા છતાં તેણે એક સારા પુત્રની ફરજ બજાવવા રૂપિયા એકત્ર કરીને અમને બન્નેને તીર્થયાત્રાએ મોકલ્યા હતા. પાછળ મારો પુત્ર મહેશ તેના પુત્ર યુવરાજ તેમજ ભત્રીજો ગીરીશને બાઇકમાં બેસાડી ઝૂલતાપૂલમાં ફરવા લઈ ગયો હતો. ત્યારે પુલ તૂટી પડતા આ મારા ત્રણેય કાળજાના કટકા મોતની આગોશમાં સમાઈ ગયા હતા. અમે બન્ને પતિ પત્ની જાત્રાએ હતા. ત્યારે જેને અમને જાત્રા કરવા મોકલ્યા એ પુત્રના મોતના સમાચાર મળતા કળજું દ્રવી ઉઠ્યું હતું. એ જ સેકન્ડે અમે પાછા ઘરે આવ્યા. જે પુત્રએ મને કાંધ આપવાની હોઈ એ પુત્ર અને બાળ દેવતા સમાન અને મારા ખોળામાં ઉછરતા હોય એવા બે વ્હાલસોયા પૌત્રને કાંધ આપી અગ્નિ સંસ્કાર કરવા પડયા ત્યારે મારા દિલો દિમાગની એવી ભયાનક સ્થિતિ થઈ છે કે, હજુ એ આઘાતની કળ વળી નથી.

-વશરામભાઈ આલાભાઈ મકવાણા

હવે નિર્દોષ સાથે આવી કોઈ ઘટના ન બને તે માટે પાણી પહેલા પાળ બાંધો

મારે સંતાનમાં જે ત્રણ પુત્રો હતો. એ યુવાન બની ગયા હતા. ત્યારે આ દુર્ઘટનાએ છીનવી લીધા હતા. જેમાં મારો મોટો 21 વર્ષનો પુત્ર ચિરાગ મૂછડીયા, 18 વર્ષીય ધાર્મિક મૂછડીયા અને 15 વર્ષીય કેતન મૂછડીયા એમ આ ત્રણેય ભાઈઓ ઝૂલતાપૂલ ઉપર ફરવા ગયેલા ત્યારે કાળ ત્રાટકતા ત્રણેય ભાઈઓનો નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. ઝૂલતાપૂલ તૂટયાની ખબર પડતાં ત્યાં દોડી ગયા હતા અને એક પછી એક એમ ત્રણેય પુત્ર જીવીતની બદલે મૃત હાલતમાં નીકળતા ત્રણેય પુત્રના મોતથી મારું કાળજું કંપી ગયું હતું. આ ત્રણેય પુત્રની એકસાથે અર્થી ઉઠી અને એ ત્રણેયને કાંધ આપી એમની અંતિમવિધિ કરી ત્યારે મારી મનોદશા સર્વસ્વ લૂંટાઈ ગયા જેવી હતી. એટલે કોઈપણ દોષિતને માફ ન કરી શકાય. જો કે સરકાર અને તંત્ર ઘટના બની ગયા પછી જ જાગે છે. એને બદલે પાણી પહેલા જ પાળ બાંધે એ માટે સુપીમ કોર્ટ નક્કર દિશા સૂચન કરીને સખત કાયદાઓનું પાલન કરાવે તો આવા નિર્દોષનો ભોગ લેવાતા અટકશે.

-રાજુભાઈ મૂછડીયા


દીકરી અને સાળા અને તેમના પત્નીનો પણ ભોગ લેવાયો

મારા સાળા અશોકભાઈ જેસીગભાઈ ચાવડા અને તેમની પત્ની ભાવનાબેન તેમની 8 વર્ષની પુત્રી સાથે મારે ઘરે દિવાળી નિમિતે આવ્યા હતા અને આ ત્રણેય તેમજ મારી 19 વર્ષીય પુત્રી પૂનમબેન ખીમજીભાઈ મકવાણા અને 22 વર્ષનો પુત્ર કાર્તિક ઝૂલતાપૂલ ઉપર ફરવા ગયા ત્યારે પુલ તૂટતા આ બધા જ નદીમાં ખાબકયા હતા. પણ મારા પુત્રને તરતા આવડતું હતું એટલે તે બચી ગયો હતો. તેમજ મારા સાળાની પુત્રી બચી ગઈ હતી. બાકીના ત્રણેય મારી પુત્રી પૂનમ અને મારા સાળા અશોકભાઈ જેસીગભાઈ ચાવડા અને તેમની પત્ની ભાવનાબેનના મોત નિપજ્યા હતા ત્યારે દોષીતોને કડકમાં કડક સજા આપવા માટે અમે બધા પીડિતો એકજુત થઈ છેક સુધી લડાઈ લડી રહ્યા છીએ. તેમાં આ દુર્ઘટનાની સીબીઆઈની તપાસની માગ સાથે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છીએ.

-ખીમજીભાઈ મકવાણા

ઝૂલતાપુલ દુર્ઘટનાની આજે ચોથી વરસી : હમ યાદો કે ફૂલ ચઢાએ ઓર આંસુ કે દીપ જલાયે