સરવડમાંથી રૂ. ૫૪,૯૬૦ અને જૂના અંજીયાસરમાંથી રૂ. ૧૦,૨૫૦ની રોકડ કબજે
મોરબી : માળીયા મીયાણા તાલુકાના સરવડ અને જૂના અંજીયાસર ગામે પોલીસે જુગારની બે અલગ અલગ રેડ કરી કુલ નવ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. બંને સ્થળેથી પોલીસે કુલ રૂ. ૬૫,૨૧૦ની રોકડ રકમ કબજે કરી હતી. આ બનાવમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ અલગ અલગ બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરવડ ગામે હરિભાઈ વલમજીભાઈ પીઠડીયાની દુકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન દુકાનદાર સહિત પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. ૫૪,૯૬૦ની રોકડ રકમ કબજે કરી હતી.
બીજી તરફ, જૂના અંજીયાસર ગામે સરકારી શાળાની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. અહીંથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવતાં પોલીસે તેમની પાસેથી રૂ. ૧૦,૨૫૦ની રોકડ રકમ કબજે કરી હતી. માળીયા મીયાણા તાલુકામાં જુગારની બે અલગ અલગ રેડ દરમિયાન કુલ નવ શખ્સો ઝડપાયા હતા અને બંને સ્થળેથી રૂ. ૬૫,૨૧૦ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.