દારૂની ૯૨૪ બોટલ અને બીયરના ૨,૬૧૬ ટીન સહિત રૂ. ૧૮.૧૬ લાખનો મુદ્દામાલ કબજે
મોરબી : મોરબીના બેલા ગામથી ભરતનગર તરફ જવાના રસ્તા ઉપર ખોખરા હનુમાન મંદિર નજીક મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે દારૂની રેડ કરતાં દારૂ અને બીયર ભરેલો ટ્રક મળી આવ્યો હતો. ટ્રકમાંથી વિદેશી દારૂની ૯૨૪ બોટલ, બીયરના ૨,૬૧૬ ટીન, ટ્રક અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૮,૧૬,૩૯૬નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે તપાસ દરમિયાન અન્ય એક શખ્સનું નામ સામે આવતાં બંને સહિત તપાસમાં ખૂલે તેવા નામો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર મંદિરની સામે આવેલા ખુલ્લા પટમાં ઊભેલા ટ્રક નંબર જીજે-૨૫-વી-૮૪૧૧ની તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ ૯૨૪ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૪,૮૩,૩૯૬ થાય છે. આ ઉપરાંત બીયરના ૨,૬૧૬ ટીન, જેની કિંમત રૂ. ૩.૨૭ લાખ છે, તે પણ મળી આવતાં પોલીસે દારૂ-બીયરનો જથ્થો કબજે કર્યો હતો. દારૂ-બીયરના જથ્થા ઉપરાંત રૂ. ૧૦ લાખની કિંમતનો ટ્રક અને રૂ. ૫,૦૦૦નો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૮,૧૬,૩૯૬નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી પ્રતિક જીવાભાઈ સોલંકી (ઉં.વ. ૩૦, રહે. જૂની ખરાવાડ, હરીપર રોડ, ધ્રાંગધ્રા)ની ધરપકડ કરી હતી. તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ધ્રુવ પરમારનું નામ સામે આવ્યું હતું. જેથી મોરબી તાલુકા પોલીસે બંને શખ્સો સામે નામજોગ તથા તપાસમાં અન્ય જેનાં નામ ખુલે તેમની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.