સ્વિફ્ટ કાર સળગાવ્યાનો બનાવ સીસીટીવીમાં કેદ, રૂ. 3.50 લાખનું નુકસાન થયાની ફરિયાદ થતા પોલીસે આરોપીને ઝડપી લીધો
મોરબી :મોરબીના વાઘપરા વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરવામાં આવેલી એડવોકેટની સ્વિફ્ટ કાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવવાનો બનાવ સામે આવ્યો છે. કારને આગ લગાવ્યા બાદ આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ મામલે એડવોકેટની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના એડવોકેટ પુષ્પાબેન ભટ્ટે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે વાઘપરા વિસ્તારમાં પોતાની સ્વિફ્ટ કાર નંબર જીજે-36-એએફ-8401 પાર્ક કરી હતી. તા. 28 ઓક્ટોબરના રોજ સાંજે આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં શિખર ગોહેલે કાર પર પેટ્રોલ છાંટ્યું હતું અને ત્યારબાદ આગ લગાવી દીધી હતી. આગને કારણે કારને મોટું નુકસાન થયું હતું. આ બનાવમાં અંદાજે રૂ. 3.50 લાખની નુકસાની થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ એડવોકેટની કાર શેરીમાં પાર્ક કરવામાં આવતી હતી. કારની નજીક કોઈ વ્યક્તિ કે અબોલ જીવ આવે અથવા તેને અડે ત્યારે સેન્સરમાંથી અવાજ આવતો હતો. વારંવાર સેન્સરનો અવાજ આવતો હોવાથી કંટાળીને આરોપીએ કાર પર પેટ્રોલ છાંટી આગ લગાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કાર સળગાવ્યા બાદ આરોપીએ પોતાના મોબાઈલમાં ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડી તેની પૂછપરછ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ ભરતસિંહ ડાભી ચલાવી રહ્યા છે.
રવાપર રોડ પર પણ બ્રેઝા કાર સળગાવાઈ હતી
ઉલ્લેખનીય છે કે, આ બનાવના એક દિવસ અગાઉ મોરબીના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલી બ્રેઝા કારને રાત્રિના સમયે બે અજાણ્યા શખ્સોએ આગ ચાંપી સળગાવી દીધી હતી. આ બનાવમાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. વાઘપરામાં એડવોકેટની કાર સળગાવવાના બનાવ સહિત બંને ઘટનાઓના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.