હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યએ સરકારી પગાર બંધ કરવા અને નિવૃત્તિ બાદ પેન્શન ન મળે તે માટે નિયમ મુજબ કાર્યવાહી કરવા પત્ર લખ્યો
મોરબી : હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ધારાસભ્ય તરીકે મળતા માસિક પગાર અને ભવિષ્યમાં મળવાપાત્ર પેન્શનનો સ્વૈચ્છિક ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને લેખિત રજૂઆત કરીને પ્રવર્તમાન કાયદા અને નિયમો મુજબ પગાર બંધ કરવા તેમજ ભવિષ્યમાં પેન્શનનો લાભ ન મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
આ નિર્ણય અંગે પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ હોવાથી વ્યક્તિગત કે પારિવારિક જરૂરિયાતો માટે સરકારી પગાર કે પેન્શનની આવશ્યકતા નથી. તેમના જણાવ્યા મુજબ જાહેરજીવનમાં જોડાવાનો હેતુ આર્થિક લાભ મેળવવાનો નહીં, પરંતુ લોકસેવા અને માનવકલ્યાણ માટે કાર્ય કરવાનો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતવિસ્તારના લોકોના હિત, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે તેઓ સતત કાર્યરત રહેશે. પગાર અને પેન્શનનો ત્યાગ કરવાનો નિર્ણય વ્યક્તિગત અને સ્વૈચ્છિક છે તથા તેમાં કોઈ અપેક્ષા રાખવામાં આવી નથી.
'અપેક્ષા શૂન્ય, જવાબદારી અનંત'ના મંત્ર સાથે તેમણે લોકસેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જોકે, આ નિર્ણયના અમલીકરણ માટે વિધાનસભાના પ્રવર્તમાન કાયદા અને નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.