ટંકારાના હડમતીયા ગામે ખેડૂતો ઉપર અણધારી આફત આવી છે. જેમાં રવિ સીઝનમાં ગામના ખેડૂતોએ પોતાના જીવ કરતા પણ વધુ રીતે ધઉના પાકનું જતન કર્યું હોય હવે આ પાકના ઉતારાનો સમય થતા ઘઉના પાકમાં ઈયળ અને મોલા-મચ્છી જીવાતોએ ઉત્પાત મચાવતા ગામના ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે.
ટંકારાના હડમતીયા ગામના ખેડૂત રમેશભાઈ ખાખરીયાએ જણાવ્યું હતું કે, ગામના બધા જ ખેડૂતોએ રવિ સીઝનમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. જો કે ગામમાં સૌથી વધુ અંદાજે 500 વિધામાં ઘઉંનું બમ્પર વાવેતર કર્યું હતું અને તમામ ખેડૂતોએ જ્યાં ત્યાંથી બિયારણ, દવા, ખાતર તેમજ પાણી મેળવીને એ પાકનું ઉમદા રીતે જતન કર્યું હતું. આથી હવે ગામના તમામ ખેતરો ઘઉં લીલાછમ હર્યાભર્યા પાકથી લહેરાય ઉઠ્યા છે અને ગામના તમામ ખેતરોમાં ઘઉંના પાકનો ઉતારાબો સમય આવ્યો હોય ત્યારે જ ઘઉના પાકમાં ઈયળો અને મોલા મરછી નામની જીવતો બાઝી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે. એટલું ઓછું હોય એમ ભારે પવનથી આ પાકનો સોથ વળી ગયો છે. આ જીવાતોને પાકથી દૂર કરવા ખેડૂતો ખેતરમાં દવા છાંટી રહ્યા છે. પણ આ જીવાતોને કારણે ધાર્યા કરતાં ખૂબ જ ઓછું ઘઉનું ઉત્પાદન થવાની ભીતિ છે. કારણ કે જીવાતો હટાવવા જતા ધઉનો પાક પણ બગડી શકે એમ છે. એટલે ખેડૂતોને ભારે નુકશાન થાય એવી દહેશત વ્યક્ત કરી છે.