હાઉસવાઇફ કે વર્કિંગ વુમને રોજિંદી જવાબદારીઓમાંથી સમય કાઢી ડાન્સ, ગેમ્સ સહિત વિવિધ સ્પર્ધા તેમજ મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને હળવાશની પળો માણી
મોરબી : દરેક પુરુષોને નોકરી ધંધામાં નિર્ધારીત સમયે રિલેક્સ થવા રજાનો લાભ મળતો હોય છે. પણ ઘરની લક્ષ્મી ગણાતી મહિલાઓને બે ઘડી પણ આનંદની ક્ષણ માણવાની ફુરસદ મળતી નથી. પતિ,સંતાનો, સાસરિયા કે નોકરી સહિતની જવાબદારીને કારણે તેણી પોતાનું વ્યક્તિવ જ જીવવાનું ભૂલી જાય છે. આથી વિવિધ મનગમતી પ્રવૃત્તિઓથી લોકોના અંતરમાં ઉમગ ઉલ્લાસ પ્રગટાવી ચહેરા પર મુસ્કાન લાવવાનો સક્રિય પ્રયાસ કરત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી ગૃહિણીઓ અને વર્કિંગ વુમન સહિતની મહિલાઓને બધી જવાબદારીનો મનમાંથી બોજ ઉતારી પોતાનું ખુદનું જીવન જીવી શકે તેવી તેમના માટે મનગમતી પ્રવૃત્તિઓનો મનભરીને આનંદ આપવાનું આયોજન કર્યું હતું.
મુસ્કાન સંસ્થા દ્વારા તીજના પાવન પર્વ નિમિત્તે તીજોત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. ઘર-પરિવારની જવાબદારી સંભાળતી હાઉસવાઇફ હોય કે નોકરી-વ્યવસાય સાથે જોડાયેલી વર્કિંગ વુમન, રોજિંદી વ્યસ્ત ઘટમાળમાંથી થોડો સમય કાઢીને મહિલાઓએ વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પોતાનું પણ આ રંગીન દુનિયામાં અસ્તિત્વ હોવાની અદભુત અન્યભૂતિ કરી હતી. મુસ્કાન વેલ્ફેર સોસાયટી આયોજિત ખાસ મહિલાઓ માટે આનંદના અવસર સમાન કાર્યક્રમમાં ડાન્સ પરફોર્મન્સ, હાઉસી, વિવિધ મજેદાર ગેમ્સ, સરપ્રાઇઝ સહિતની મનગમતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી આ કાર્યક્રમનું ખાસ આકર્ષણ ફ્રેશ ફ્લાવર ઓર્નામેન્ટ સ્પર્ધા રહી હતી. જેમાં મહિલાઓએ તાજા ફૂલોનો ઉપયોગ કરીને સુંદર અને આકર્ષક આભૂષણો તૈયાર કરી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ રજૂઆત કરનારને ‘તીજ ક્વીન’નો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો હતો. વિજેતા મહિલાઓને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરાઈ હતી. તમામ મહિલાઓએ મનગમતી પ્રવૃત્તિને મનભરીને માણીને અંતરથી ભારે આનંદ થયાની લાગણી વ્યક્ત કરી હતી.