Monday - Nov 23, 2026

માળીયાના ચીખલી રણમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)નો દરોડો

માળીયાના ચીખલી રણમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)નો દરોડો

માળિયા પોલીસને અંધારામાં રાખી દરોડો, ચીખલીના કાસમ સામતાણી અને મોરબીના શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કરાયા

મોરબી : મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) પંથકમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી છે. ચીખલી રણ વિસ્તારમાં દરોડો પાડીને દેશી દારૂ, દારૂ ગાળવાનો વોશ અને ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રી સહિત કુલ રૂ.4,12,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તા.22 નવેમ્બર, 2026ના રોજ માળિયા તાલુકાના ચીખલી રણ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી રૂ.1.50 લાખની કિંમતનો 750 લીટર દેશી દારૂ અને રૂ.2.35 લાખની કિંમતનો 9400 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ મળી આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી ત્રણ મોટર પંખા, એક સોલાર પ્લેટ, એક બેટરી, એક ઇલેક્ટ્રિક મોટર, 35 લાટાના બોક્સ, દારૂ માપવાનું ડિગ્રી મીટર, ત્રણ પ્લાસ્ટિકની પાઇપ અને પાવર સપ્લાય બોક્સ (સ્ટેબિલાઇઝર) સહિતની સાધન-સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી. તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.4,12,750 આંકવામાં આવી છે. આ કાર્યવાહી બાદ માળિયા (મિયાણા) પોલીસ મથકમાં ચીખલી ગામના કાસમ અબ્દુલ સામતાણી અને મોરબીના શાહરૂખ ફિરોઝભાઈ પઠાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બંને આરોપીઓને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.