મોરબી : મોરબીના જેતપર-પીપળી રોડ પર પીપળી ગામ તરફ જતા કાચા રસ્તા પર અચાનક શ્વાન આડું ઉતરતા એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને વાહન સ્લીપ થઈ જતાં બે મિત્રો રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં મોરબીના ઈન્દિરાનગરમાં રહેતા 33 વર્ષીય યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે સાથે રહેલા મિત્રને સામાન્ય ઈજાઓ થઈ હતી.
મોરબી-2ના ઈન્દિરાનગરમાં ખોડિયાર માતાના ચોક પાસે રહેતા અને મૂળ ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢના વતની ગોપાલભાઈ પીતાંબરભાઈ લોદરીયા (ઉં.વ.33) તેમના પડોશી ઉમેશભાઈ જગમાલભાઈ અદગામા સાથે એક્ટિવા (નં. GJ-36-BA-9821) લઈને પાવળીયાળી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા.
દર્શન કરીને પરત ફરતી વખતે તા. 17 નવેમ્બર, 2026ના રોજ રાત્રિના સમયે જેતપર-પીપળી રોડ પર પ્લોવા ટાઈલ્સના શો-રૂમ સામેના કાચા રસ્તા પર અચાનક શ્વાન આડું ઉતર્યું હતું. પરિણામે પૂરઝડપે જતું એક્ટિવા સ્લીપ થઈ જતાં બંને મિત્રો નીચે પટકાયા હતા.
અકસ્મતમાં ગોપાલભાઈને કપાળ સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઉમેશભાઈને માથા અને પડખાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.