Monday - Nov 23, 2026

મોરબીમાં કાર પાર્કિંગના મનદુઃખમાં યુવાનનું અપહરણ કરી માર માર્યો

મોરબીમાં કાર પાર્કિંગના મનદુઃખમાં યુવાનનું અપહરણ કરી માર માર્યો

સામાંકાંઠે ફ્લેટમાં લઈ જઈ ચામડાના પટ્ટા અને પ્લાસ્ટિકની બોટલથી હુમલો કર્યાની ફરિયાદ

મોરબી : મોરબીના દલવાડી સર્કલ વિસ્તારમાં કાર પાર્ક કરવા જેવી બાબતે થયેલા મનદુઃખનો મામલો મારામારી અને અપહરણ સુધી પહોંચ્યો હતો. ટંકારાના મોટા રામપર ગામના બે ભાઈઓએ એક યુવાનને કારમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું. ચાલુ કારમાં માર માર્યા બાદ સામાંકાંઠે આવેલા એક ફ્લેટમાં લઈ જઈ ચામડાના પટ્ટા અને પ્લાસ્ટિકની મોટી બોટલ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સીટી એ ડિવિઝન પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, મોરબીના કેનાલ રોડ પર દલવાડી સર્કલ નજીક આવેલી ઉમા સોસાયટી (ઉમા પાર્ક)માં રહેતા અને કોયલી ગામે ખેતીકામ કરતા સાગરભાઈ રાયધનભાઈ જારીયા (ઉં.વ.32) ગત તા.20 નવેમ્બરની રાત્રે 8થી 8:30 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે શેરીમાં ઊભા હતા. ત્યારે પાડોશીના ભત્રીજા અને ટંકારા તાલુકાના મોટા રામપર ગામના સિદ્ધરાજસિંહ ઝાલા ત્યાં આવ્યા હતા. કાર પાર્ક કરવા બાબતે બંને વચ્ચે મનદુઃખ થતાં બોલાચાલી થઈ હતી.

અગાઉ સિદ્ધરાજસિંહના ભાઈ રવિસિંહ ઝાલા સાથે ફોન પર મળવાનું નક્કી થયું હોવાથી સિદ્ધરાજસિંહ સાગરભાઈને પોતાની સફેદ રંગની જીપ કમ્પાસ કારમાં બેસાડી શનાળા ચોકી પાસે આવેલા છોટાલાલ પંપ પર લઈ ગયા હતા. ત્યાં રવિસિંહ ઝાલા અન્ય એક વ્યક્તિ સાથે હાજર હતા. રવિસિંહે છરી કાઢી સાગરભાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાથેના શખ્સે સામે કેમેરા હોવાનું જણાવતાં રવિસિંહ કારમાં બેસી ગયો હતો. ત્યારબાદ કાર સામાંકાંઠા તરફ લઈ જતી વખતે ચાલુ ગાડીએ જ સાગરભાઈને મુક્કા મારવામાં આવ્યા હતા.

બંને ભાઈઓ સાગરભાઈને સામાંકાંઠે આવેલી ઋષભ સોસાયટીના એક ફ્લેટના પહેલા માળે લઈ ગયા હતા. જ્યાં રવિસિંહે ચામડાના પટ્ટા વડે સાગરભાઈના વાસાના ભાગે ચારથી પાંચ ઘા માર્યા હતા. આ ઉપરાંત રૂમમાં પડેલી પાણીની મોટી ખાલી પ્લાસ્ટિકની બોટલ વડે પણ માર મારવામાં આવ્યો હતો.

રાત્રે આશરે 11 વાગ્યે બંને આરોપીઓ સાગરભાઈને કારમાં બેસાડી ઘર તરફ લઈ જતા હતા. રસ્તામાં ફરિયાદીના મિત્ર મુનાભાઈની ફોર્ચ્યુનર કાર રોકી તેમાં સાગરભાઈને બેસાડી રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘરે ઉતારી દીધા હતા. બીજા દિવસે બપોરે કોયલી ગામે જઈ સાગરભાઈએ પિતરાઈ ભાઈ રાહુલભાઈ અને કાકા નારણભાઈ સહિતના પરિવારજનોને સમગ્ર બનાવની જાણ કરી હતી. વાસાના ભાગે લાલ ચકામા અને દુખાવો થતાં રાત્રે 10 વાગ્યે તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલની એમએલસીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સિદ્ધરાજસિંહ ઝાલા અને રવિસિંહ (રવિ) ઝાલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 138, 115(2), 54 તથા જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી પીએસઆઈ હરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાએ વધુ તપાસ શરૂ કરી છે.