Monday - Nov 23, 2026

મોરબીમાં ધરાર સંબંધ રાખવા દબાણ કરી પડોશીએ પરિણીતાને ધમકાવી, પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીમાં ધરાર સંબંધ રાખવા દબાણ કરી પડોશીએ પરિણીતાને ધમકાવી, પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબી : મોરબીના બાયપાસ રોડ પર આવેલી એક સોસાયટીમાં પડોશમાં રહેતા શખ્સે મદદ કરવાના બહાને પરિણીતા સાથે વાતચીત શરૂ કરી સંબંધ રાખવા દબાણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાએ ઇનકાર કરતાં ઉશ્કેરાયેલા શખ્સે ઘરમાં કોઈ પુરુષ ન હોવાનું જણાવી તેના માસૂમ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે પરિણીતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, 35 વર્ષીય પરિણીતા ગત તા. 19 નવેમ્બરના રોજ રાત્રે આશરે 8 વાગ્યે પોતાના ઘરના બીજા માળે આવેલી બાલ્કનીમાં કપડાં સૂકવવા ગયાં હતાં. આ દરમિયાન બાજુના મકાનમાં રહેતા સાગરભાઈ જારીયાએ ઈશારો કરીને તેમને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ ધ્યાન ન આપતાં સાગરભાઈ સીડી ચડીને બાલ્કની સામે આવ્યા હતા અને પોતાની સ્કૂટી ફ્રી હોવાનું જણાવી જરૂર પડે ત્યારે લઈ જવા કહ્યું હતું. પરિણીતાએ કોઈ મદદની જરૂર ન હોવાનું અને જરૂર પડશે તો ભાઈને જણાવીશ તેમ કહેતાં સાગરભાઈએ તેમની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હતું. પરિણીતાએ ઇનકાર કરતાં શખ્સે ઘરમાં કોઈ પુરુષ ન હોવાનું જણાવી તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ પરિણીતાના સંબંધીએ સાગરભાઈને સમજાવવાનો પ્રયાસ કરતાં તેઓ તેમની સાથે પણ ઝઘડો કરવા લાગ્યા હતા. આખરે પરિણીતાએ તા. 22 નવેમ્બરના રોજ સાગરભાઈ જારીયા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 79 અને 351(3) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સોંપી છે.