સોમવાર-મંગળવારથી સંબંધિત દુકાનો પર સ્ટીકર લગાવી કાયદેસરની કાર્યવાહી કરાશે, મોનિટરિંગ માટે CCTVની વ્યવસ્થા થશે; કતલખાનાઓ માટે શહેરથી દૂર સ્થળ નક્કી કરવા આગામી સામાન્ય સભામાં વિચારણા
મોરબી : મોરબી શહેરના રહેણાંક, ધાર્મિક અને જાહેર વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાના તેમજ પરવાનગી વિના ચાલતા નોનવેજના ધંધા સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સવારે 11થી સાંજના 5:30 વાગ્યા સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આશરે છ કલાક ચાલેલા આ વિરોધ બાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા રજૂઆતોને ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.
ધરણા પૂર્ણ થયા બાદ હિન્દુ સંગઠનના આગેવાન કમલેશ બોરીચાએ જણાવ્યું હતું કે, મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરો સાથે થયેલી ચર્ચામાં કેટલાક મહત્વના નિર્ણયોની ખાતરી આપવામાં આવી છે. જે અંતર્ગત જે વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં માંસનો પુરવઠો થતો હોવાની રજૂઆત કરવામાં આવી છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરાશે. સોમવારથી મંગળવાર દરમિયાન સંબંધિત દુકાનો પર સ્ટીકર લગાવવામાં આવશે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સીસીટીવી કેમેરા લગાવી કર્મચારીઓ મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવશે.
બીજી તરફ, મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, સંગઠનોની રજૂઆતને પગલે સંબંધિત વિસ્તારોમાં મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા લગાવવાની જોગવાઈ કરાશે. સોમવારથી મંગળવાર દરમિયાન બિનઅધિકૃત રીતે ચાલતા કતલખાનાઓ સામે સ્ટીકર લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કતલખાનાઓ માટે શહેર અને મહાનગરપાલિકા વિસ્તારથી દૂર અલગ જગ્યા નક્કી કરવા આગામી સામાન્ય સભામાં દરખાસ્ત અને સૂચિત સ્થળ અંગે વિચારણા કરવામાં આવશે. હાલ મળેલી વાંધા અરજીઓ અંગે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુનાવણી કરી રજૂઆતો સાંભળ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. લાયસન્સ વિના ચાલતા વ્યવસાયોને લગતા પ્રશ્ને મહાનગરપાલિકાના નવા નિયમો અને જોગવાઈઓ ઘડી આરએમસી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની દિશામાં પ્રયાસ કરાશે. હિન્દુ સંગઠનોએ સ્પષ્ટ કર્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી ખાતરી મુજબ સમયસર અને નક્કર કાર્યવાહી નહીં થાય તો શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા રોકી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.