Wednesday - Aug 19, 2026

સોલ્ટ ટેકનોલોજીની શૈક્ષણિક સંસ્થાના અભાવે મીઠા ઉદ્યોગના વિકાસને ફટકો

સોલ્ટ ટેકનોલોજીની શૈક્ષણિક સંસ્થાના અભાવે મીઠા ઉદ્યોગના વિકાસને ફટકો

મુખ્ય માળીયા મી.સહિત ભારતીય મીઠા ઉદ્યોગ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલ્ટ ટેકનોલોજી સ્થાપવાની માંગ

મોરબી : ભારત વિશ્વમાં મીઠાના ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર હોવા છતાં સોલ્ટ ટેકનોલોજી અને મીઠાના વૈજ્ઞાનિક ઉત્પાદન-પ્રોસેસિંગ માટે વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાનો અભાવ હોવાથી મીઠા ઉદ્યોગને જરૂરી ટેકનિકલ મેનપાવરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મોરબી જિલ્લાના માળીયા મી. સહિતના ભારતીય મીઠા ઉધોગ ટેકનોલોજીના ઉપયોગ વગર પણ વિશ્વમાં મીઠાનો મહત્તમ ઉત્પાદન  કરતો હોય ત્યારે  આધુનિક ટેકનોલોજી સાથે ટેક્નિકલ શિક્ષણની સુવિધાઓ અપાય તો મીઠા ઉધોગ ઉચ્ચાઈના વધુ શિખરો સર કરી શકે તેમ હોવાથી મીઠા ઉધોગના વિકાસ માટે સોલ્ટ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે વિશેષ અભ્યાસક્રમ તથા સંશોધન સંસ્થા સ્થાપવાની જરૂરિયાત મીઠા ઉત્પાદકોએ માંગ કરી છે.

મોરબી મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશનના પ્રમુખ ડી. યુ. જાડેજાએ વડાપ્રધાનને સંબોધીને ભારતીય મીઠા ઉદ્યોગ માટે ટેકનિકલ શિક્ષણ તેમજ ઇન્ડસ્ટ્રી આધારિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા રજૂઆત કરી છે. દેશમાં સોલ્ટ ટેકનોલોજી માટે સમર્પિત કોલેજ કે સંસ્થા ન હોવાથી કુશળ ટેકનિકલ પ્રોફેશનલ્સ તૈયાર થવામાં અડચણ આવી રહી છે. ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો મીઠા ઉત્પાદક દેશ છે અને વૈશ્વિક સ્તરે અગ્રણી નિકાસકાર તરીકે પણ સ્થાન ધરાવે છે. આગામી સમયમાં દેશનું મીઠા ઉત્પાદન આશરે 55 મિલિયન ટન સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. જોકે ઉત્પાદન વધારવાની સાથે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને કાર્યક્ષમતાના માપદંડો જાળવવા માટે વૈજ્ઞાનિક અભિગમ, આધુનિક ટેકનોલોજી અને સતત સંશોધનની જરૂરિયાત ઊભી થઈ છે.

મીઠા ઉદ્યોગના વિકાસ માટે આટલા મુખ્ય મુદ્દાઓના ઉકેલની માંગ

ઉત્પાદકતા અને ખર્ચ : બદલાતી આબોહવાની પરિસ્થિતિમાં મીઠાની ઉત્પાદકતા વધારવા તથા ઇવેપોરેશન પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવી ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે ટેકનોલોજી વિકસાવવાની જરૂરિયાત.

ગુણવત્તા નિયંત્રણ : મીઠાના કણોનું કદ, રંગ, સિલિકા, કેલ્શિયમ-મેગ્નેશિયમનું પ્રમાણ તેમજ ફ્રી એમોનિયા, ફ્રી આયર્ન, ફ્રી આયોડિન અને ફ્રી બ્રોમિન જેવા વિવિધ ગુણવત્તા માપદંડો જાળવવા વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાની જરૂર.

વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ : મીઠા તથા બીટર્નમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો અને ઉપયોગી બાય-પ્રોડક્ટ્સ વિકસાવી ઉદ્યોગની આવક તથા ઉપયોગિતા વધારવા સંશોધન હાથ ધરવાની માંગ.

સંગ્રહ અને પરિવહન : મીઠાના સ્ટોરેજ, હેન્ડલિંગ, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન થતું નુકસાન ઘટાડવા આધુનિક વ્યવસ્થાઓ વિકસાવવાની જરૂરિયાત.

આધુનિક ટેકનોલોજી : ઓટોમેશન, ડિજિટલ ટેકનોલોજી અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ વધારવા માટે ઉદ્યોગને જરૂરી ટેકનિકલ માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાની જરૂર.

ઉપરોક્ત ક્ષેત્રોમાં ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ સંશોધન અને તાલીમ માટે ઉદ્યોગસાહસિકો તથા શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સતત સંકલન જરૂરી છે. આ માટે દેશમાં 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલ્ટ ટેકનોલોજી' અથવા 'સ્પેશિયલાઇઝ્ડ કોલેજ ઓફ સોલ્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી' સ્થાપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.