મોરબી જિલ્લા પોલીસ દ્વારા માર્ગ અકસ્માત સમયે ઇજાગ્રસ્તોને મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવા હેતુ ‘રાહવીર’ યોજના અમલમાં મુકાઈ
મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા માર્ગ અકસ્માત સમયે નાગરિકોને મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવા હેતુ ‘રાહવીર’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલ દ્વારા અકસ્માત બાદના મહત્વપૂર્ણ 'ગોલ્ડન અવર' દરમિયાન ઈજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડનારને સન્માનિત કરવામાં આવશે.
માર્ગ અકસ્માત થયાના 1 કલાકને 'ગોલ્ડન અવર' માનવામાં આવે છે. આ સમયગાળામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તબીબી સહાય મળે તે જીવ બચાવવા માટે ખૂબ મહત્વનું છે. જે વ્યક્તિ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને 'ગોલ્ડન અવર' દરમિયાન હોસ્પિટલ પહોંચાડશે, તેમને રૂ. 25000 રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર આપીને 'રાહવીર' તરીકે સન્માનિત કરવામાં આવશે.
મદદ કરનાર વ્યક્તિને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની પૂછપરછ કરવામાં આવશે નહીં અને તેમને સંપૂર્ણ કાયદાકીય રક્ષણ પણ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત પુરસ્કાર મેળવવા માટે, જે પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માત થયો હોય, તે પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાગૃત નાગરિક બનીને બીજાના જીવનના રક્ષક બનવા માટે અપીલ કરવામાં આવી છે.