ચાઈનીઝ દોરી જાહેરમાં ન રાખી શકાય એ માટે મકાનમાં રાખી, પણ પોલીસની ચકોર નજરે ઝપટે ચઢી
મોરબી : મોરબી શહેરમાં આગામી ઉતરાયણ નિમિતે માનવ સહિત પંખીઓ માટે ખતરનાક હોવાથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને જાહરમાં કે દુકાનોમાં પણ રાખી શકાય એમ ન હોવાથી તેને ઘરમાં રાખવાનો નવો નુસખો અપનાવ્યો હતો. પણ પોલીસની ચકોર નજરેથી ક્યાંય પણ ખૂણે ખાચરે રાખેલી ચાઈનીઝ દોરી બચી શકી નથી. થોડા સમય અગાઉ પોલીસે શહેરમાં બે જગ્યાએ મકાનમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધા બાદ વધુ એક મકાનમાં રાખેલી ચાઈનીઝ દોરીને ઝડપી લીધી હતી. જેમાં મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલા મકાનમાંથી પોલીસે પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફીરકી સાથે બે આરોપીને ઝડપી લીધા હતા.
મકરસંક્રાંતિ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને ચાઈનીઝ ફિરકી તથા તુક્કલને ઉડાવા ઉપર તેમજ સંગ્રહ અને વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મુકતા જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે તેમ છતાં પણ ઘણી જગ્યાએ ચાઈનીઝ ફીરકીનું વેચાણ થતું હોય તેવું સામે આવ્યું છે.આ દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને મળેલી હકીકત આધારે મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 15 માં રહેતા માહિરભાઈ પાયકના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પ્રતિબંધિત 17 ચાઈનીઝ ફિરકી મળી આવતા પોલીસે 6800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી માહીરભાઈ મુસ્તાકભાઈ પાયક (ઉ.વ.19)ની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ ફીરકી તેને વિપુલભાઇ હસમુખભાઇ પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હોવાથી બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપી વિપુલભાઇ હસમુખભાઇ હિરાણીને પણ ઝડપી લીધો હતો.