વાંકાનેરમાં બાઈક પર આવેલ ત્રણ શખ્સોએ વૃદ્ધ પાસેથી લૂંટ ચાલવ્યાની ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર શહેરમાં પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ વાંઢા લીમડા ચોકથી લક્ષ્મી ચોક જવાના રસ્તે પગપાળા જતા વૃદ્ધને આંતરી બાઈક પર આવેલ ત્રણ શખ્સોએ હાથમાં રહેલો થેલો આપી દેવાનું કહી વૃદ્ધને પછાડી દઈ થેલો ઝૂંટવી નાસી જતા ધોળા દિવસે થયેલી લૂંટની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના રવાપર રોડ વેલકમ પ્રાઇડમાં રહેતા હરિલાલ નાનજીભાઈ વિડજા ઉ.વ.65 નામના વૃધ્ધએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.20ના રોજ તેઓ શહેરમાં વાંઢા લીમડા ચોકથી લક્ષ્મી ચોક તરફ પગપાળા જતા જતા ત્યારે અચાનક જ બપોરના ચારેક વાગ્યાના અરસામાં ત્રણ અજાણ્યા બાઈક સવાર તેમની બાજુમાં ધસી આવી બાઈક ઉભું રાખી તેમના હાથમાં રહેલા થેલાની માંગણી કરી હતી.જો કે, હરિલાલભાઈએ થેલો આપવાની ના પાડતા ત્રણેય શખ્સોએ તેમને પછાડી દઈ હાથમાંથી થેલો આચકી લઇ નાસી ગયા હતા. આ દરમિયાન લૂંટના આ બનાવમાં થેલામાં રહેલા રૂપિયા 3 હજાર તેમજ અન્ય ડોક્યુમેન્ટ અજાણ્યા શખ્સોએ લૂંટી લેતા આ બનાવ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.