ડેમમાંથી પાણી આવક ઘટવાથી બેઠો પુલ ભયજનક સપાટીમાંથી બહાર આવ્યો પણ આજે બપોરે ફરી વરસાદ શરૂ થતાં અને રવિવારની રજાને કારણે ભારેખમ ટ્રાફિકના જોખમને ટાળવા લેવાયેલો આ નિર્ણય
મોરબી : મોરબીમાં ગઈકાલે સવારથી જ મેઘરાજાએ દે ધનાધનની જેમ મન મુકીને વરસીને રીતસર હેલી સર્જી દેતા એકધારો 10 ઈંચ જેટલો મુશળધાર વરસાદ તૂટી પડતા મોરબીની જીવાદોરી સમાન અને પ્રથમ રાઉન્ડમાં જ ઓવરફ્લો થયેલા મહાકાય મચ્છુ-ડેમ 2ના 16 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હોઈ શહેરની મધ્યે નીકળતી મચ્છુ નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાતા આ નદી ઉપરના બેઠાપુલ ઉપરથી ભયજનક સપાટીથી પાણી વહેવા લાવતા પોલીસે ગઈકાલે બપોરે જ આ બેઠાપુલને લોકોની સુરક્ષાને ધ્યાને લઈને બંધ કરી દીધો હતો. બેઠાપુલ ઉપર પાણી ખૂબ જ વહેતા ગઈકાલે આખો દિવસ અને આખી રાત સુધી આ પુલને બંધ રખાયો હતો. જો કે, ગઈકાલે સાંજેથી આજ બપોર સુધી આકાશમાં ઘનઘોર કાળા ડિબાંગ વાદળોની હડિયાપટ્ટી વચ્ચે પણ આશરે 18 કલાક મેઘવીરામ રહેતા ઉપરવાસમાંથી ડેમમાં પાણી આવક સતત ઘટી હોવાથી મચ્છુ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઓછો થયો હોય એટલે આ બેઠોપુલ જોખમી સપાટીમાંથી બહાર આવ્યો છે. પરંતુ આજે રવિવારનો દિવસ હોવાથી પુલ ઉપર ભીડ પણ અતિશય વધે તેવી સંભાવના હોઈ કદાચ ભારેખમ ટ્રાફિકમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો ? આવી ભીતિથી લોકોની સુરક્ષાને ધ્યાને લઈને આજે પણ બેઠાપુલને બંધ રાખવાનો તંત્રએ નિર્ણય જાહેર કર્યો છે અને હજુ મેઘાડબર વચ્ચે ધીમીધારે વરસાદ પડતો હોય અને ફરી ડેમના વધુ પાટિયા ખોલવા પડે તો ફરી પરિસ્થિતિને નિયત્રણ કરવી મુશ્કેલ બની એમ હોવાથી પાણીની પરિસ્થિતિની સમીક્ષા બાદ જ પુલ ચાલુ કરવો કે નહિ તો યોગ્ય નિર્ણય લેવાશે.