મેળામાં ભજન, ભક્તિ, મનોરંજનનો ત્રિવેણી સંગમ, આજે અમાસે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડી પિતૃતર્પણ કરશે
મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી અમાસ નિમિતે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે એટલે તા.22 અને તા.23 ઓગસ્ટના રોજ બે દિવસ સુધી લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે અને એ પણ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ સાથે વર્ષોથી ભરાતા મેળાને શિવ ભક્તિની સાથે મનોરંજનનો હેતુ હોવાથી આ રફાળેશ્વર લોકમેળાને "શિવ તરંગ" નામ આપવામાં આવ્યું છે. સમાજ શ્રેષ્ઠીઓ અને વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓના હસ્તે આજથી બે દિવસ માટે રફાળેશ્વરના લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
મેળામાં શિવ ભક્તિનું વિશેષ મહત્વ હોવાથી ભગવાન શિવની ભક્તિને ઉજાગર કરતા વિવિધ ભક્તિસભર કાર્યકમો યોજાઈ રહ્યા છે. અને આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠી હતી. અમાસે મહાદેવના ગુણગાન ગાતા ભક્તિસભર, સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યકમો યોજાશે. સાથેસાથે રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે પિતૃતર્પણનું મહત્વ હોવાથી હજારો લોકો અમાસના દિવસે ઉમટી પડીને પિતૃતર્પણ કરશે. યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રફાળેશ્વરનો મેળો સમગ્ર સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે. ભજન, ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ છે. આ મેળામાં મહાદેવના દર્શન, રફાળેશ્વર મંદિરે આવેલા પ્રાચીન કુંડમાંથી પાણી ભરી પ્રાચીન પીપળે રેડવાથી પિતૃઓને મોક્ષ મળે અને સાથે મનોરંજન માણવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આથી કાલે અમાસના મેળામાં હૈયે હૈયું દળાઈ તેટલી જનમેદની ઉમટી પડવાની હોવાથી લોકોની સલામતીને ધ્યાને લઈને તાલુકા સહિતના પોલીસના સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.