Sunday - Aug 16, 2026

મોરબીમાં ગેસના ગોડાઉનમાંથી 30 બાટલાની ચોરી કરનાર આરોપી ઝડપાયો

મોરબીમાં ગેસના ગોડાઉનમાંથી 30 બાટલાની ચોરી કરનાર આરોપી ઝડપાયો

તાલુકા પોલીસે ચોરાયેલા 30 રાંધણ ગેસના બાટલા અને છકડો રિક્ષા મળી કુલ 1,49,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામની સીમમાં આવેલ ઇન્ડેન ગેસ એજન્સીના ગોડાઉનના તાળા તોડી ગેસ ભરેલા 30 બાટલા ચોરી થવાના કેસનો તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યો છે. આ ચોરાઉ બાટલા સાથે એક શખ્સને ભડીયાદ ગામની સીમમાં આવેલ મિલેનિયમ સિરામિક ટાઇલ્સ કારખાના પાછળથી ઝડપી લેવામાં આવ્યો છે.

મોરબી ખાતે ફ્રીડમ ઇન્ડેન ગેસ એજન્સી ચલાવતા રજનીકાંતભાઈ લાલજીભાઇ મેરજા (ઉ.વ.56) રહે.રામનગર, શનાળા રોડ, મોરબી વાળાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.27ના રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ ગેસ એજન્સીના ગોડાઉનનો દરવાજો તોડી ગોડાઉનમાં રહેલા 30 ગેસ ભરેલા બાટલા કિંમત રૂ.99000ની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મોરબીમાં ગેસના ગોડાઉનમાંથી 30 બાટલાની ચોરી કરનાર આરોપી ઝડપાયો

આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સર્વેલન્સ ટીમે ટેક્નિકલ વર્ક અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે ચિરાગ પ્રતાપસિંહ પરમાર (ઉં.વ. 24, રહે. હાલ જેલ રોડ, લીલાપર રોડ, સાત હનુમાન સોસાયટી, મોરબી. મૂળ ગામ વડાલા, ગીર સોમનાથ)ને ભડીયાદ ગામની સીમમાં આવેલ મિલેનિયમ સિરામિક ટાઇલ્સ કારખાના પાછળથી છકડો રિક્ષા નંબર GJ 11 X 4234માં ભરેલા 30 ગેસના બાટલા સાથે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.