ખેતરોમાં સિંચાઈ માટેના બોરના 300 થી 400 ફૂટ લાંબા કેબલને તસ્કરોએ નિશાન બનાવ્યા
હળવદ : હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામે ખેડૂતોના ખેતરમાંથી કિંમતી કેબલ વાયરની ચોરી થવાનો સિલસિલો યથાવત રહેતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. જૂના દેવળિયા ગામના 12 જેટલા ખેડૂતોએ આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરીને કડક કાર્યવાહી કરવા અને ચોરોને વહેલી તકે પકડી પાડવા માંગ કરી છે.
જૂના દેવળિયા ગામના રહેવાસી અને ખેતીકામ કરતા ખેડૂત પ્રફુલભાઈ નરશીભાઈ જસાપરાએ અન્ય ખેડૂતો સાથે મળીને હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર ને અરજી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરે તેમના ખેતરમાં આવેલા બોર કુવામાંથી પાણી ખેંચવા માટેનો અંદાજે 300 થી 400 ફૂટ લાંબો મોટરનો કેબલ ચોરી લીધો હતો. જ્યારે તેઓ સવારે ખેતરે ગયા ત્યારે આ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે માત્ર પ્રફુલભાઈ જ નહીં, પરંતુ ગામના અન્ય 11 ખેડૂતોના ખેતરોમાંથી પણ અગાઉ અલગ-અલગ દિવસોમાં આ જ રીતે કેબલની ચોરી થઈ ચૂકી છે. આ અંગે અગાઉ તારીખ 25/05/2026 ના રોજ પણ હળવદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. જો કે, હજુ સુધી આ બાબતે કોઈ યોગ્ય તપાસ થઈ નથી કે કોઈ ચોર પકડાયો નથી. ચોરીની આ ઘટનાઓથી ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વારંવાર થતી ચોરીઓને કારણે તસ્કરો બેફામ બન્યા હોવાનું ખેડૂતોનું કહેવું છે. અરજી કરનાર ખેડૂતોમાં પ્રફુલભાઈ જસાપરા, જગજીવન ભુદરભાઈ, જીતેન્દ્રભાઈ ભુદરભાઈ, રાજુભાઈ ભીખાભાઈ, ગીરીશ ચતુરભાઈ, પ્રકાશભાઈ રૂગનાથભાઈ, હસમુખભાઈ જાદવજીભાઈ, જયંતીભાઈ અમરશીભાઈ, મગનભાઈ શીવાભાઈ, જગદીશભાઈ મનજીભાઈ, રસિકભાઈ વાસુદેવભાઈ અને મનસુખભાઈ રવજીભાઈનો સમાવેશ થાય છે.