સામાન્ય વર્ગની દીકરીઓ સિતારા સાથે ખાખી વર્દીમાં શાનથી ફરજ બજાવતી જોવાનું મારુ સ્વપ્ન છે : નિવૃત્તિ આર્મીમેન
મોરબી : તેરી મિટ્ટી મેં મર જાવા, ગુલ બન કે મેં ખીલ જાવા બસ ઇતની સી હૈ ખ્વાહિશની જેમ દરેક આર્મીમેનનું જીવન રાષ્ટ્ની સુરક્ષા માટે સમર્પિત હોય છે. આખરી શ્ર્વાસ સુધી દેશના દુશમનો સામે લડીને ખદેડી દઈ જરૂર પડ્યે માં ભોમની રક્ષા માટે પ્રાણ પણ ન્યોછાવર કરી દેતા અચકાતા નથી. આવી જ રોમે રોમમાં રાષ્ટ્ભાવના ધરાવતા મોરબીના એક નિવૃત આર્મીમેન છે. મોરબીમાં રહેતા સહદેવસિંહ ઝાલામાં યુવા વયથી દેશભાવના પ્રબળ હોવાથી આકરી મહેનતથી વર્ષ 1994માં થલ સેના એટલે આર્મીની ટેન્ક રજીમેન્ટમાં જોડાઈને મહારાષ્ટ્ર, પંજાબ, યુપી, બિહાર એમ અલગ અલગ રાજ્યોમાં દેશની અંદર જ ફરજ બજાવ્યા બાદ 1999ના કારગીલ યુદ્ધ વખતે તેમને રાજસ્થાનના બીકનેરની બોર્ડર પર ફરજ સોપાય હતી. કારગીલ યુદ્ધ લડેલા આ આર્મીમેનને સુબેદારમાંથી ઓનરી સુબેદાર મેજર તરીકે પ્રમોશન મળ્યા બાદ 28 વર્ષ દેશની સેવા કર્યા બાદ 2022માં નિવૃત્ત થયા હતા. જો કે તેમનું હૃદય દેશની સેવા માટે જ ધબકતું હોય આગામી પોલીસની ભરતીમાં 160 દીકરીઓને પોલીસ બનાવવા કપરો સંઘર્ષ કરી રહ્યા છે અને આ દીકરીઓને સવારે અને સાંજે એમ બે બેન્ચમાં એક મોરબી શહેર અને બીજા મોરબીના સાંમાંકાંઠે એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં એકાદ માસથી કોઈપણ ચાર્જ વગર દોડ,વોમ અપ સહિતની ફિઝિકલ ટ્રેનિંગ આપવાની સાથે કેવા પ્રકારનો આહાર તેમજ પોલીસ બનવું આસન ન હોય એના માટે આકરી મહેનત કરવી પડે અને પોલીસ બન્યા પછી પ્રજાની જાનમાલની સુરક્ષા માટે ડ્યુટી ઇઝ ફસ્ટ અને ફેમેલી ઇઝ નેક્સ્ટનું જ્ઞાન આપી રહ્યા છે. તેઓ એટલું કહે છે કે, હું આ જે દીકરીઓને તાલીમ આપી રહ્યો છું એ દીકરીઓના ખભા પર સિતારા અને ખાખી વર્દી સાથે શાનથી નિષ્ઠાભેર પોલીસની ફરજ બજાવતા જોવાનું મારુ સ્વપ્ન છે. એ સ્વપ્ન સાકાર થશે ત્યારે જ મારી મહેનત કામે લાગી ગણાશે અને નિવૃત્ત પછી પણ દેશની સેવા કર્યાનો મને પરમ સંતોષ થશે.
હમ હોંગે કામિયાબ, 80 દીકરીઓનો ત્રણ ત્રણ મોરચે લડવાનો સંઘર્ષ
નિવૃત્ત આર્મીમેન સહદેવસિંહ ઝાલા કહે છે કે, આ દીકરીઓમાં 80 દીકરીઓ એવી છે કે, કોઈના પિતા.કે, માતા, ભાઈ હયાત ન હોય ત્રણ ત્રણ મોરચે લડવું પડે છે. એક તો આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી આ 80 દીકરીઓ પરિવારને મદદરૂપ થવા સાઈડમાં કોઈને કોઈ જોબ કે કોઈ કારખાનામાં પણ કામ કરે છે. સાથે સાથે એક્સ્ટર્ન અભ્યાસ કરે છે. આ ઉપરાંત પોલીસ બનવા રોજ સવારે ફિઝિકલ ટ્રેનિંગ મેળવે છે. કુલ 160 દીકરીઓને પોલીસ બનાવવાના મારા સ્વપ્ન કરતા આ દીકરીઓનો જ પોલીસ બની સમાજ અને રાષ્ટ્ની સુરક્ષા કરવાનો એકમાત્ર ધ્યેય છે. અમાની એકપણ દીકરીઓ ક્યારેય કોઈપણ બહાનાબાજી કરીને રજા રાખતી નથી. દરરોજ સવારે 6 વાગ્યે ઉઠીને ઠંડીમાં કોઈપણ દૂરના સ્થળે રહેતી હોય છતાં વાહન ન હોય ચાલીને પણ પહોંચી જાય છે. પોલીસ કે લશ્કરી દળમાં જોડાવવા માટે આકરી તાલીમ આપું છે અને કડક અનુશાસન જરૂરી હોય ફિઝિકલ ટ્રેનિંગમાં દોડતી વખતે મેદાન સમથળ ન હોય પથ્થરો લાગી જાય છે. છતાં કોઈ ફરિયાદ કે આરામ કરવાને બદલે નિયમ મુજબ સતત બે કલાક બહુ જ આત્મવિશ્વાસ સાથે આકરી શારીરિક કસ્ટી વેઠી, અગત્યના પ્રસંગ કે કામ હોય તો પણ રજા ન રાખતી હોય હમ હોંગે કંબિયાબની જેમ એમની સાચી લગન અને નિષ્ઠાથી પોલીસ બનવાના ધ્યેયને સાકાર કરતા કોઈ અટકાવી નહિ શકે.
સામાન્ય વર્ગની દીકરીઓને કોણ તાલીમ આપે ?
નિવૃત્ત આર્મીમેને હમણાં પોલીસની ભરતી આવી રહી હોય તેની તૈયારી અંગે જાત તપાસ કરતા યુવાનોના ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાથી બીજે કામ કરતા હોય પોલીસ બનવા બહુ જ ઓછાને રસ હોય પણ દીકરીઓને પોલીસ બનવા ભારે ઉત્સાહ હોય એમને વિનામૂલ્યે કોણ તાલીમ આપે તેવો મોટો સવાલ ઉભો થતા આ નિવૃત્ત આર્મીમેને દીકરીઓને પોલીસ બનાવવાનું પ્રણ લીધું છે. મોરબીમાં આવી તાલીમ લઈ શકાય એવા મેદાન અને કોચ જ નથી..જ્યારે નિવૃત્ત આર્મીમને પોતે લશ્કરી દળમાં જોડાયા ત્યારે એમણે જાતે તાલીમ લેવામાં ભારે મુશ્કેલી વેઠી હોય એ મુશ્કેલી દીકરીઓને ભોગવવી ન પડે એ માટે તેઓ દરરોજ બે બૅંચમાં અગત્યના કામો પડતા મૂકીને વિનામૂલ્યે એકલપંડે એકાદ મહિનાથી તાલીમ આપી રહ્યા હોય છે.
પ્રેક્ટિસ પુરી ન થાય ત્યાં સુધી નિવૃત આર્મીમેન અને દીકરીઓ ગ્રાઉન્ડ છોડતા નથી
પોલીસની ભરતી નજીક આવી રહી હોવાથી આ નિવૃત્ત આર્મીમેન ઘણા દિવસોથી તાલીમ આપે છે. જેમાંની ઘણી દીકરીઓ ભણવાની સાથે પોલીસ માટે તૈયારી કરે છે. ઘણી દીકરીઓ ધો. 12માં ભણે છે તો અમુક દીકરીઓ પૂરું આગળ પણ ભણે છે. દીકરીઓ દરરોજ સવારે આવી ગયા બાદ નિવૃત આર્મીમેન શિસ્તબદ્ધ રીતે ફ્રીઝીકલ ટ્રેનિંગ આપે છે. તાલીમનો સમય બે કલાકનો હોવક છતાં જ્યાં સુધી પ્રેક્ટિસ પુરી ન થાય ત્યાં સુધી ન તો નિવૃત્ત આર્મીમેન ગ્રાઉન્ડ છોડતા નથી.
-શ્રેયા પટેલ, તાલીમાર્થી
12 વર્ષની બાળાને રાજ્યકક્ષાએ રનિંગની તાલીમ
નિવૃત આર્મીમેન માત્ર પોલીસ ભરતી જ નહીં અન્ય રમત ગમતમાં મોરબીનું હિર ઝળકે એવા સતત પ્રયાસો કરે છે. જેમાં તેઓ આ બન્ને શેડ્યુલ વચ્ચે સમય કાઢીને ધો. 7માં ભણતી દીકરીનું રનિંગમાં ઉજ્જવળ ભવિષ્ય હોવાથી તેને રાજ્યકક્ષાએ પહોંચાડવા રનિંગની તાલીમ આપે છે. બીજા એક બાળકનું પણ રનીગ સારું હોવાથી તેને પણ રનિંગની પ્રેક્ટિસ કરાવે છે.