લાંબા ગાળે શહેરીજનોને રાહત અને વિકાસમાં વૃદ્ધિ થવાનો મનપાનો દાવો
મોરબી : મોરબીના મોટાભાગના ગામો ભૂગર્ભ ગટરની યોગ્ય વ્યવસ્થા છે. પણ એનાથી ઉલટું શહેરમાં ભુર્ગભ ગટર તો છે. પણ યોગ્ય રીતે સફાઈ થતી નથી.આથી લાંબા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાનો ગંભીર પ્રશ્ન હોવાની વચ્ચે મનપાએ મોરબી શહેરને ખુલ્લી ગટર મુક્ત કરવા રૂ.22 કરોડના ખર્ચે બે ફેઝમાં ભુગર્ભ ગટરની લાઇન નાખવાનો પ્રોજેકટ અમલમાં મુક્યો છે અને આ મહત્વકાંક્ષી પ્રોજેકટથી લાંબા ગાળે શહેરીજનોને રાહત મળશે અને વિકાસમાં વૃદ્ધિ થવાનો મનપાએ દાવો કર્યો છે.
મોરબીમાં મહાનગરપાલિકાએ ભૂગર્ભ ગટરની શહેરીજનોને યોગ્ય સુવિધાઓ આપવા માટે કવાયત હાથ ધરી છે. જો કે મોરબી શહેરમાં હજુ પણ ખુલ્લી ગટરો મોટા પ્રમાણમાં હોવાથી મહાપાલિકાએ ફેઝ-1માં નહેરુ ગેટથી દરબારગઢ વિસ્તારમાં રૂ.11.85 કરોડના ખર્ચે 22 કી.મીની જુદી જુદી વ્યાસની ડ્રેનેજની લાઈન, ફેસ-2માં લાઇન્સનગર, મહેન્દ્રપરા, માધાપર વગેરે વિસ્તારમાં રૂ.10.10 કરોડના ખર્ચે 17.8 કી.મીની જુદી જુદી વ્યાસની ડ્રેનેજની લાઈન નાંખવાની જાહેરાત કરી છે. હાલ ખુલ્લી ભૂગર્ભ ગટર અને સફાઈના અભાવે ઠેરઠેર ગટરોના ગંદા પાણી ઉભરાતા હોવાથી જન આરોગ્યની સુરક્ષાનો મોટા પ્રશ્ન ઉદ્દભવ્યો છે. સાથેસાથે પર્યાવરણ પ્રદૂષણ, પાણી ભરાવાને કારણે વધતી જતી બીમારીઓનું જોખમ, ગંદાપાણીના વહન અને જાળવણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવાની થતી જરૂરિયાતને ધ્યાને લેતા આ પ્રોજક્ટ શરૂ કરવાનું મહાપાલિકાના સિટી ઈજનેરે જણાવ્યું છે. પણ હકીકતમાં પ્રોજેકટ સાકાર થશે ત્યારે જ ખબર પડશે કે મનપાના દાવામાં કેટલું સત્ય છે ?