દર્દીઓ જ્યાં સારવાર માટે જતા હોય એ હોસ્પિટલમાં ખાસ સ્વચ્છતા જરૂરી હોવાથી હોસ્પિટલ તંત્રએ બે વખત પાઇપલાઇનના રિપેરીગની દરખાસ્ત કર્યા છતાં તંત્રએ ધ્યાન ન આપતા દર્દીઓમાં ભારે આક્રોશ
મોરબી : માળિયા મિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર એટલે સરકારી હોસ્પિટલના વોર્ડ વિભાગની બહારની ડ્રેનેજ વ્યવસ્થામાં ભંગાણ થવાથી ભયકર ગંદકીની પરિસ્થિતિ ઉદભવી છે. ભૂગર્ભ ગટરની પાઈપલાઈન તૂટી જવાથી હોસ્પિટલના શોચાલયની ગંદકીનો નિકાલ અટક્યો છે આથી ડ્રેનેજ દુષિત પાણી સાથે ચેમ્બરો ગંદકીથી ઉભરાઈ રહી છે. ડ્રેનેજ ચેમ્બરોને જોડતી પાઇપલાઇન તૂટી જવાથી ગંદકી આગળ ન જઈ શકતી હોવા ઉપરાંત ખાળકૂવાની વ્યવસ્થા પણ ન હોવાથી હોસ્પિટલ પરિસરમાં જ અસ્વચ્છતા સર્જાતા સારવાર માટે આવતા દર્દીઓનું આરોગ્ય વધુ જોખમાય ભીતિ વ્યક્ત કરી હોસ્પિટલના અધિક્ષકે તાત્કાલિક ડ્રેનેજની રિપેરિંગની માંગ કરી છે.
માળિયાની હોસ્પિટલના અધિક્ષકે 6 નવેમ્બર 2025ના રોજ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટના નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, વર્ષ 2025-26ના વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ કેન્દ્રની તમામ ડ્રેનેજ લાઇનના રિપેરિંગ માટે અંદાજે રૂ.20 લાખની જોગવાઈ કરીને સરકારમાં મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. જો કે મંજૂરી મળવામાં સમય લાગી શકે તેમ હોવાથી હાલની ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓ અને આરોગ્ય સેવાઓને અસર ન થાય તે માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી બની છે. જેમાં આ હોસ્પિટલના વોર્ડ વિભાગની બહાર આવેલી ડ્રેનેજ ચેમ્બરોને સાંકળતી પાઇપલાઇન તૂટી જવાથી તેનો શોચાલયનો કચરો આગળ જતો નથી. પરિણામે ચેમ્બરો દુષિત પાણી સાથે ઉભરાયેલી હાલતમાં છે. આથી આ ગંભીર સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને લોકોના સ્વાસ્થ્યના હિતમાં કામચલાઉ ધોરણે નવી ડ્રેનેજ સિસ્ટમનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ ચેમ્બરોનો કોમન આઉટલેટ કરી ખાળકૂવામાં ગંદકીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.
ભયંકર ગંદકીના કારણે દર્દીઓને સારવાર દરમિયાન મુશ્કેલી
હોસ્પિટલના પરિસરમાં ભયંકર ગંદકીના કારણે દર્દીઓને સારવાર દરમિયાન મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને ડિલિવરી માટે આવતા સર્ગભા દર્દીઓને વધુ મુશ્કેલી પડી રહી છે. ગંદકીનો નિકાલ અટકતા આ સર્ગભા દર્દીઓની પીડા અપરંપાર છે. આથી તંત્રએ 17 સપ્ટેમ્બરના રોજ દરખાસ્ત કર્યા બાદ પણ હોસ્પિટલની ડ્રેનેજ વ્યવસ્થાનું યુદ્ધના ધોરણે સમારકામ ન કરાતા આ ગંભીર સમસ્યા અંગે ફરી હોસ્પિટલના અધિક્ષકે 3 ઓક્ટોબર 2025ના રોજ પણ સંબધિત તંત્રને રજુઆત કરી હતી. પરંતુ હજુ સુધી નિભર તંત્રએ ડ્રેનેજની તૂટેલી પાઇપલાઇનનું રિપેરીગ ન કરતા મગજ ચકરાય જાય તેવી ગંદકીથી દર્દીઓનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે.
માત્ર ચેમ્બરમાં પ્રેશર મારવાથી સમસ્યા ઉકેલાતી નથી
માળીયા નગરપાલિકા દ્વારા હોસ્પિટલની ડ્રેનેજની ચેમ્બરમાં જેટર મારફતે પ્રેશર કરવામાં આવ્યું હતું, પરંતુ એક ચેમ્બરને બીજી ચેમ્બર સાથે જોડતી પાઇપલાઇન તૂટી ગયેલી હોવાથી કચરાનો નિકાલ થઈ શકતો જ નથી. તેથી માત્ર ચેમ્બરમાં પ્રેશર મારવાથી સમસ્યા ઉકેલાતી નથી અને તૂટેલી લાઇનનું રિપેરિંગ કરવું અનિવાર્ય હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. ભૂતકાળમાં પણ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ માટે જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગર સુધી રજૂઆત પહોંચાડવામાં આવી હોવાનું જણાવતાં હોસ્પિટલ અધિક્ષકે જાહેર આરોગ્યના હિતમાં આ મુદ્દે અગ્રતા સાથે યોગ્ય કાર્યવાહી કરવા ફરી માંગ કરી છે.