નાસ્તાની દુકાને ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે યુવક સાથેના વ્યક્તિ અંગે પૂછપરછ બાદ ઝઘડો; એક પક્ષે ગાળો આપી હાથ ઉગામ્યાનો, હાથ-પગ ભાંગી નાખવાની ધમકી તથા જાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો આક્ષેપ
મોરબી : મોરબીના નીચીમાંડલ ગામ પાસે નાસ્તાની દુકાને યુવક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી બાદ બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે. યુવકનો આક્ષેપ છે કે, દુકાનદાર દ્વારા તેની સાથે રહેલા વ્યક્તિ અંગે બે વખત પૂછપરછ કર્યા બાદ ગાળો આપી હાથ ઉગામીને માર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં દુકાનદારના સાથીએ પણ ગાળો આપી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપીને જાતિપ્રત્યે અપમાનિત કર્યો હતો. જ્યારે સામાપક્ષે દુકાનદાર દ્વારા દુકાનના થડા પાસેથી દૂર જવા કહેવા બાબતે યુવકે બોલાચાલી કરી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મૂળ ચોટીલા તાલુકાના સુરઈ ગામના અને હાલ મોરબીના નીચીમાંડલ ગામ પાસે સેમીસ્ટો સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા હિતેશભાઈ ગોવિંદભાઈ છાસિયા (ઉં.28)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં જીતુભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ, બંને રહે. રાધે પાન, શિવ પેટ્રોલ પંપની બાજુમાં, નીચીમાંડલ, મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી હિતેશભાઈ પોતાના મિત્ર અનિલભાઈ સાથે નીચીમાંડલ ગામ પાસે આવેલી આરોપીની દુકાને નાસ્તો લેવા ગયા હતા. નાસ્તો લીધા બાદ અનિલભાઈ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યા હતા ત્યારે દુકાનદાર જીતુભાઈએ હિતેશભાઈની સાથે રહેલો માણસ તેની સાથે છે કે કેમ તે અંગે બે વખત પૂછ્યું હતું. આ દરમિયાન બોલાચાલી થતાં જીતુભાઈએ ગાળો આપી હિતેશભાઈને હાથ ઉગામીને માર મારવાનો પ્રયાસ કર્યો કર્યા બાદ હિતેશભાઈના શેઠ સ્મિત પટેલ અને કિશન પટેલ ત્યાં આવી ગયા હતા અને હિતેશભાઈ તેમની ગાડીમાં બેસી ગયા હતા. ત્યારબાદ વિપુલભાઈ પટેલ ત્યાં આવ્યા હતા અને હિતેશભાઈને ગાળો આપી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત જાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે બંને શખ્સો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ મોરબીના હળવદ રોડ પર આવેલી ઉમા રેસિડેન્સી સોસાયટીમાં રહેતા દુકાનદાર જીતેન્દ્રભાઈ વનજીભાઈ કૈલા (ઉં.વ.38)એ હિતેશભાઈ છાસિયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં સામી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, દુકાનના થડા પાસે રહેલા હિતેશભાઈને ત્યાંથી દૂર જવા માટે કહેવામાં આવ્યું હતું. આ બાબતે હિતેશભાઈએ દુકાનદાર સાથે બોલાચાલી કરી ઝઘડો કરીને ગાળો આપી હતી. આ ફરિયાદના આધારે પણ પોલીસે ગુનો નોંધી આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.