ડેમ બે વખત ઓવરફ્લો થયો હોવાનો ઉલ્લેખ કરી ખેડૂતોને જીરું-ઘઉંના વાવેતર માટે પાણી આપવા ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ સિંચાઈ વિભાગને રજુઆત કરી
મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમ ચાલુ વર્ષે બે વખત ઓવરફ્લો થયો હોવાનો ઉલ્લેખ કરી તેના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવા ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ સિંચાઈ વિભાગને પત્ર લખ્યો છે. ખાસ કરીને જીરું અને ઘઉંના વાવેતર માટે પાણી ઉપલબ્ધ કરાવવા દરખાસ્ત કરવામાં આવી છે.
ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મચ્છુ-2 ડેમના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી મળે તે જરૂરી છે. ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને પગલે આ અંગે સિંચાઈ વિભાગ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, આ વર્ષે છેલ્લે વરસાદ ખેંચાઈ જવાના કારણે ખેડૂતોના પાક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે ખેડૂતોની આવકમાં પણ ઘટાડો થવાની સ્થિતિ છે. બીજી તરફ, ચાલુ વર્ષે સારા વરસાદના પગલે મચ્છુ-2 ડેમ બે વખત ઓવરફ્લો થયો છે. તેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેટલો પૂરતો જથ્થો ડેમમાં ઉપલબ્ધ હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને મચ્છુ-2 કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને શિયાળુ પાક, ખાસ કરીને જીરું અને ઘઉંના વાવેતર માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે, તેવી દરખાસ્ત ધારાસભ્ય દ્વારા સિંચાઈ વિભાગ સમક્ષ કરવામાં આવી છે.