રિપોર્ટર: અશ્વિન રાઠોડ
મોરબી: તા. ૧૪/૧૧/૨૦૨૬ ને શનિવાર, લાભ પાંચમના પાવન અવસરે મોરબી ખાતે મચ્છુ કઠીયા સઈ-સુતાર જ્ઞાતિ-ટ્રસ્ટ દ્વારા અતિ ભવ્યતાસભર સ્નેહમિલન, જ્ઞાતિ ઈષ્ટદેવ રુગનાથજી મહારાજની પધરામણી તથા જ્ઞાતિ સમૂહ ભોજનના ત્રિવિધ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ઢોલ-નગારાના નાદ અને જ્ઞાતિજનોની રાસ-રંગત તેમજ સ્નેહભર્યા સથવારે પરંપરાગત રીતે ઈષ્ટદેવ રુગનાથજી મહારાજની નીજ મંદિરેથી જ્ઞાતિની વાડી ખાતે પધરામણી કરવામાં આવી હતી. ત્યારબાદ જ્ઞાતિ ગોર કલ્પેશ મહારાજ તથા મંદિરના પુજારી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જ્ઞાતિ ટ્રસ્ટીઓના હસ્તે પૂજન-અર્ચન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય અને પવિત્ર બની ગયું હતું. પૂજન બાદ ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોએ વિશેષ રીતે તૈયાર કરાયેલ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે રાજકોટના એ-૧૪ ટ્રસ્ટ, આજી ઉપલા કાંઠા પ્રગતિ મંડળ, મવડી વિકાસ મંડળ, એ.યુ.ડી. ક્રિકેટ ગ્રુપ, વૈભવી રાસ ઉત્સવ ગ્રુપ, અખિલ મ.ક.સ.સુ. શૈક્ષણિક ટ્રસ્ટ, મ.ક.સ.સુ. તળપદ ટ્રસ્ટ - જામનગર, યંગ ગ્રુપ - જામનગર અને ધ્રોલ જ્ઞાતિ-ટ્રસ્ટ સહિતના દેશાવર સમાજના ટ્રસ્ટીઓ તથા આગેવાનોએ વિશેષ હાજરી આપી કાર્યક્રમને ગરિમામય બનાવ્યો હતો..
સમગ્ર આયોજનને સફળ બનાવવા મોરબી જ્ઞાતિ-ટ્રસ્ટીઓની આગેવાનીમાં યુવા કાર્યકર મિત્રોએ અથાગ મહેનત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે મચ્છુ કઠીયા સઈ-સુતાર જ્ઞાતિ-ટ્રસ્ટ, એ/૩૨ - મોરબી દ્વારા તન, મન અને ધનથી યોગદાન આપનાર દાતાઓ, દેશાવર સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, જ્ઞાતિજનો તેમજ ઉત્તમ સેવા આપનાર તમામ યુવા કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.