Tuesday - Nov 17, 2026

મોરબીના ટીંબડી પાટિયા પાસે ડમ્પરની અડફેટે પિતા-પુત્રનાં મોત, પત્ની ગંભીર

મોરબીના ટીંબડી પાટિયા પાસે ડમ્પરની અડફેટે પિતા-પુત્રનાં મોત, પત્ની ગંભીર

બીમાર 6 વર્ષના પુત્રને સારવાર માટે બાઇક પર લઈ જતો શ્રમિક પરિવાર અકસ્માતનો ભોગ બન્યો

મોરબી : મોરબી નજીક ટીંબડી પાટિયા પાસે ડમ્પરની અડફેટે બાઇક સવાર શ્રમિક પરિવારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બીમાર પુત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહેલા દંપતીની બાઇકને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે ટક્કર મારતાં પિતા અને છ વર્ષના પુત્રનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માત સર્જનાર ડમ્પર ઓવરલોડ અને નંબર પ્લેટ વગરનો હોવાનું સામે આવતાં ભારે ચર્ચા જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના અમરનગર હાઇવે પર આવેલા ઓજસ સેનેટરીવેરના કારખાનામાં રહીને કામ કરતા દિનેશ ઉર્ફે રોહિત રણછોડભાઈ પરમાર (ઉં.વ. 30), તેમનાં પત્ની લક્ષ્મીબેન અને છ વર્ષનો પુત્ર આદેશ બાઇક પર સવાર થઈ સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યાં હતાં. આદેશની તબિયત સારી ન હોવાથી તેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો. દરમિયાન ટીંબડી પાટિયા નજીક પહોંચતાં પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં દિનેશભાઈ અને તેમના પુત્ર આદેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે લક્ષ્મીબેનને ગંભીર ઇજાઓ પહોંચતાં મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અકસ્મા‌ત સર્જનાર ડમ્પર ઓવરલોડ હોવાની સાથે તેમાં નંબર પ્લેટ પણ ન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે મોરબી પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ છે. ઓવરલોડ અને બેફામ દોડતાં ડમ્પરો સામે નિયંત્રણ અને નંબર પ્લેટ વગરનાં વાહનો સામે કાર્યવાહી અંગે ફરી સવાલો ઊઠ્યા છે. એક જ પરિવારના પિતા-પુત્રનાં મોત અને માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આવી ઘટનાઓ અટકાવવા જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.