Tuesday - Nov 17, 2026

હળવદમાં બાઇક યોગ્ય રીતે ચલાવવાનું કહેતા ચાર શખ્સોનો યુવાન પર હુમલો

હળવદમાં બાઇક યોગ્ય રીતે ચલાવવાનું કહેતા ચાર શખ્સોનો યુવાન પર હુમલો

ધારિયું, પાઇપ અને લાકડાના ધોકા વડે માર માર્યો; બંને હાથ અને નાકના ભાગે ગંભીર ઇજા, જાનથી મારી નાખવાની ધમકી

મોરબી : હળવદ તાલુકાના નવા અમરાપર ગામે બાઇક સરખું ચલાવવા અને ઝઘડો નહીં કરવા સમજાવવાની બાબતનો ખાર રાખીને ચાર શખ્સોએ એક યુવાન પર ધારિયું, પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને બંને હાથ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ બનાવ અંગે સારવાર લીધા બાદ નોંધાવેલી ફરિયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હળવદમNજનવા અમરાપર ગામના રહેવાસી પ્રકાશભાઈ ભુપતભાઈ સુરેલા (ઉં.વ. 40)ની ગામની સીમમાં કેનાલ પાસે વાડી આવેલી છે. દરમિયાન મેરા ત્રિભોવનભાઈ અદગામા બાઇક લઈને ત્યાંથી પસાર થતાં પ્રકાશભાઈએ તેને બાઇક યોગ્ય રીતે ચલાવવા અને ઝઘડો નહીં કરવા સમજાવ્યો હતો. આ બાબતનો ખાર રાખીને ત્રિભોવન દેવાભાઈ અદગામા, મેરા ત્રિભોવનભાઈ અદગામા, લાલજી કાનાભાઈ અદગામા અને વિક્રમ રવજીભાઈ અદગામાએ એકસંપ થઈ પ્રકાશભાઈ પર હુમલો કર્યો હતો.

આરોપીઓ પૈકી ત્રિભોવન અદગામાએ ધારિયું માર્યું હતું, જ્યારે અન્ય શખ્સોએ પાઇપ અને લાકડાના ધોકા વડે બંને હાથ તથા નાકના ભાગે માર મારતાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવમાં ઇજાગ્રસ્ત પ્રકાશભાઈએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.